- 9,800 જેટલા વોઈસ કનેક્શન કાર્યરત
- પદાધિકારી વચ્ચે સંકલન માટે સમય અને ખર્ચની બચત
- ઈ- સરકાર એપ્લિકેશન પ્રોજેક્ટને હવે જિલ્લા સ્તરે વિસ્તરણ
રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગે મુખ્યમંત્રી, મંત્રીઓના નિવાસસ્થાન બાદ હવે તમામ ધારાસભ્યો અને સચિવોના સરકારી આવાસોમાંથી પણ વીડિયો કોન્ફરન્સ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: જ્ઞાનસેતુ સહિતની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આ તારીખે થશે
9,800 જેટલા વોઈસ કનેક્શન કાર્યરત
હાલમાં માત્ર મુખ્યમંત્રી અને કેટલાક ગણતરીના મંત્રીઓના ઘરે જ આ વ્યવસ્થા છે. ગાંધીનગરમાં સરકારી આવાસોમાં રહેલા ઉચ્ચ અધિકારી- પદાધિકારીઓના કોમ્યુનિકેશન માટે સચિવાલય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન નેટવર્ક- SICN વર્ષોથી કાર્યરત છે. આ સિસ્ટમને અપગ્રેડ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. હાલનું SICN નેટવર્ક વોઈસ કોમ્યુનિકેશન નેટવર્ક છે. જેના હેઠળ 9,800 જેટલા વોઈસ કનેક્શન કાર્યરત છે. આ નેટવર્કને અત્યાધુનિક કરીને તેમાં વિડીયો કોન્ફરન્સિંગ અને આઈપી ટેલીફોન શરૂ કરવા વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગે તૈયારી આદરી છે.
પદાધિકારી વચ્ચે સંકલન માટે સમય અને ખર્ચની બચત
આ વ્યવસ્થાથી સંબંધિક અધિકારી અને પદાધિકારી વચ્ચે સંકલન માટે સમય અને ખર્ચની બચત ઉપરાંત ઈ- સરકારની જેમ સમય અને સ્થળના બાધ વગર જ અધિકારી તેમજ પદાધિકારીની જવાબદેહિતા નક્કી થઈ શકશે. કારણ કે, રાજ્યના તમામ જિલ્લા મથકોએ જિલ્લાના વડા અધિકારીઓની કચેરીઓ અને મહેસૂલી તંત્રમાં પ્રાંત સ્તરે પહેલાથી જ વીડિયો કોન્ફરન્સની સુવિધાઓ ઉપલબ્ધ છે.
હાલમાં ગાંધીનગરમાં નવા આવાસ બંધાઈ રહ્યા છે
ધારાસભ્યોના સરકારી આવાસો માટે હાલમાં ગાંધીનગરમાં નવા આવાસ બંધાઈ રહ્યા છે. જેના કારણે સેક્ટર-17 સ્થિત આવેલા સદસ્ય નિવાસમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા સંદર્ભે હજી નિર્ણય લેવાયો નથી. હાલમાં સચિવાલય, બોર્ડ- કોર્પોરેશન સ્તરે અમલમાં રહેલા ઈ- સરકાર એપ્લિકેશન પ્રોજેક્ટને હવે જિલ્લા સ્તરે કલેક્ટર કચેરીઓ, મામતદાર કચેરી અને અન્ય જિલ્લા કે તાલુકા કચેરીઓમાં આવરી લેવામાં આવી રહ્યો છે.