ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

જેમની પાસે બેંક ખાતું નથી, તેઓ 2000 રૂપિયાની નોટ ક્‍યાં અને કેવી રીતે બદલી શકશે?

  • કોઈપણ વ્‍યક્‍તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી નોટ બદલી શકે
  • એક સમયે 20 હજારની રૂ.2000ની નોટ બદલાવી શકાશે
  • ગ્રાહકોને 2000 રૂપિયાની નવી નોટો આપવાનું બંધ કરવા બેંકોને સલાહ

ભારતીય રિઝર્વ બેંકએ 2000 રૂપિયાની ગુલાબી નોટો પર મોટો નિર્ણય લીધો અને તેને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી. જોકે, રિઝર્વ બેંકે સ્‍પષ્ટપણે કહ્યું છે કે રૂ.2000ની નોટો માન્‍ય રહેશે અને અન્‍ય મૂલ્‍યોની નોટો માટે સરળતાથી બદલી શકાશે. આ માટે તારીખ પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ હજુ પણ 2000 રૂપિયાની નોટને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઘૂમી રહ્યા છે. આમાંથી એક એ છે કે જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ 2000 રૂપિયાની નોટ કેવી રીતે બદલી શકશે?

30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે 2000ની નોટ

આરબીઆરઇએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્‍ટેમ્‍બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંકમાંથી બદલી આપવી પડશે. આ માટે 23 મેથી 30 સપ્‍ટેમ્‍બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્‍યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્‍કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે.

આરબીઆઇની સ્પષ્ટતા શું છે?

હવે સવાલ એ છે કે શું કોઈપણ ગ્રાહક એ જ બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકે છે જેમાં તેનું ખાતું છે? રિઝર્વ બેંકે સ્‍પષ્ટ કહ્યું છે કે કોઈપણ વ્‍યક્‍તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે 20000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે નોટ બદલવાની સુવિધા મફતમાં મળશે.

કેટલું ચલણ છે માર્કેટમાં રૂ.2000નું ?

20 હજાર રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટ એક સમયે બદલાશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે ‘કલીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી 2000 ની નોટો પાછી ખેંચી લેશે. સરકારી આંકડાઓ અનુસાર, હાલમાં રૂ.3.62 લાખ કરોડના મૂલ્‍યની રૂ.2000ની નોટો ચલણમાં છે. પરંતુ ટ્રાન્‍ઝેક્‍શન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે.

5 વર્ષ પહેલાં જ નોટનું પ્રિન્ટીંગ બંધ કરી દેવાયું હતું

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્‍ડો હશે, જયાં તમે સરળતાથી 2000ની નોટ બદલી શકશો. આ સમયમર્યાદા પૂરી થયા પછી RBI દ્વારા બદલી શકાય છે. 30 સપ્‍ટેમ્‍બર પછી, 2000 રૂપિયાની નોટો બેંકોમાં બદલી અથવા જમા કરાવી શકાશે નહીં. આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્‍યું કે 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્‍ટિંગ બંધ કરી દેવામાં આવ્‍યું હતું. નવેમ્‍બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.

Back to top button