2020માં ચીન પર મોટી કાર્યવાહીના ભાગરૂપે ઢગલાબંધ ચાઇનીઝ એપ્સ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. તેમાંની જ એક એપ હવે રિલાયન્સ રિટેલ કથિત રીતે ફેશન જાયન્ટ Sheinને ભારતમાં પરત લાવવા માટે તૈયારી કરી રહ્યું છે. એક મીડિયા અહેવાલ મુજબ, રિલાયન્સ રિટેલ વિશ્વના સૌથી મોટા ફેશન રિટેલર્સ પૈકીના એક Sheinને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ભારતમાં લાવશે. આ સાથે, ભારત સરકાર દ્વારા તેની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યાના બે વર્ષથી વધુ સમય પછી Shein ભારતમાં પુનરાગમન કરશે. અહેવાલમાં જણાવાયું છે કે દેશના અગ્રણી રિટેલર રિલાયન્સની માલિકીના અને તેના દ્વારા સંચાલિત ઑફલાઇન સ્ટોર્સ તેમજ તેની એપ દ્વારા Sheinના ઉત્પાદનોનું વેચાણ કરશે. H&M અને Zara જેવા ઝડપી ફેશન લેબલ્સ સાથે સ્પર્ધા કરતી Sheinએ, ગયા નાણાકીય વર્ષમાં $23 બિલિયનની આવક કરી હતી. ભારત સરકારે વર્ષ 2020માં Sheinને તેની પોતાની એપ્લિકેશન દ્વારા ભારતમાં તેના ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. Shein પરનો પ્રતિબંધ ચીની એપ્સ પરના મોટી કાર્યવાહીનો ભાગ હતો. તેના જેવી જ બીજી લોકપ્રિય ચાઈનીઝ એપ AliExpress પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. Shein એપને “રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક” હોવાના આધારે બ્લોક કરવામાં આવી હતી. Shein બ્રાન્ડે 2021માં એમેઝોન ઈન્ડિયા માર્કેટપ્લેસ મારફતે ભારતમાં ગુપ્ત રીતે એન્ટ્રી કરી લીધી હતી. પ્રથમ વખત Sheinને એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર સેલર તરીકે દર્શાવવામાં આવી હતી. Shein હજુ પણ એમેઝોન ઈન્ડિયા પર વેચાણકર્તાઓના લિસ્ટમાં છે.
આ પણ વાંચો : ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને શંકરસિંહ વાઘેલાનું નિવેદન, કહ્યું-“ધર્મના નામે માર્કેટિંગ કરવાનું આ ભાજપનું આયોજન”
જુલાઈ 2021માં તેની એન્ટ્રી બાદ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઓક્ટોબર 2021માં દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે અન્ય પ્લેટફોર્મ અથવા વેબસાઈટ પર Shein પ્રોડક્ટ્સનું વેચાણ કલમ 69A હેઠળ આવતું નથી અને તેના માટેનો આદેશ કાયદાકીય જોગવાઈ હેઠળ રચાયેલી સમિતિ દ્વારા તેમના વેચાણને રોકી શકાય નહીં. મંત્રાલયે જણાવ્યું હતું કે 2020 માં ભારતમાં Shein એપ્લિકેશનની જાહેર ઍક્સેસ અને કાર્યક્ષમતા પર રોક લગાવવમાં આવી હતી, પરંતુ દેશમાં થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પર વેચવામાં આવતા કંપનીના ઉત્પાદનોને રોકી શકાય નહિ.