બનાસકાંઠા : ડીસા- ભીલડી હાઇવે પર બાઈક ચાલકે રાહદારીને અડફેટે રાહદારીનું મોત
પાલનપુર: બનાસકાંઠામાં ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના નોંધાઇ છે. ભીલડી પાસે હાઇવે પર બાઈક ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના ભીલડી ગામે રહેતા પરબતજી તેરવાડીયા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમની પાસે લાયસન્સ ન હોવા છતાં રાત્રિના સમયે બાઈક લઈ તેમની પત્ની સાથે જૂની ભીલડી ગામે લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા અને હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાત્રિનો સમય હોવાથી સામેથી આવતી ગાડીઓની લાઇટના કારણે રોડ પર બરાબર દેખાતું ન હતું. જેના કારણે રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈક સવાર દંપતી અને રાહદારી સહિત ત્રણેય લોકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ અકસ્માત અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ બનાવ સ્થળે પહોંચી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભીલડી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જ્યાં રાહદારી પ્રહલાદ ઈશ્વરભાઈ પરમારને ગંભીર ઇજા પહોંચતા તેમને વધુ સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માત અંગે બાઈક ચાલકે ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.