કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક ચોંકાવનારો નિર્ણય લેતા કાયદા મંત્રી કિરણ રિજિજુને તેમના પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી સરકારમાં અલગ-અલગ વિભાગોની જવાબદારીઓ સંભાળનાર કિરણ રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ મંત્રાલયની જવાબદારી હવે અર્જુન રામ મેઘવાલને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : ઉત્તર ઇટાલીમાં વિનાશક પૂરથી 8 ના મોત, ફોર્મ્યુલા વન રેસ રદ
દરમિયાન, એવા સમાચાર છે કે કિરણ રિજિજુને હવે ભૂ – વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ મેઘવાલને કાયદા રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મેઘવાલ પહેલાથી જ સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યમંત્રીના પદ પર છે. કિરણ રિજિજુ અરુણાચલ પ્રદેશથી આવે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ નિવૃત્ત ન્યાયાધીશો પર કરેલી ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહ્યા છે. કિરણ રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ વિશે પણ કહ્યું હતું કે દેશમાં કોઈ કોઈને ચેતવણી આપી શકે નહીં. દેશમાં દરેક વ્યક્તિ બંધારણ પ્રમાણે કામ કરે છે. આ સિવાય તેમણે કેટલીક આકરી ટિપ્પણીઓ પણ કરી હતી. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ક્યાંક નારાજ હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે આજે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગરમી અને બફારાથી ક્યારે મળશે રાહત ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ ફેરબદલ મુજબ અત્યાર સુધી કાયદા મંત્રીની જવાબદારી સંભાળતા કિરણ રિજિજુને હવે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમંત્રી તરીકે કામ કરી રહેલા અર્જુન રામ મેઘવાલને કાયદા અને ન્યાય મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો સાથે રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય તેઓ જે જવાબદારીઓ ધરાવે છે તે નિભાવવાનું ચાલુ રાખશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 30 મેના રોજ 9 વર્ષ પૂર્ણ કરશે. પરંતુ 9 વર્ષની ઉજવણી કરતા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ કરી લીધી છે. પીએમ મોદી જૂનથી લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. એવી શક્યતા છે કે તેઓ મેરઠથી તેમની ચૂંટણી સભાઓ શરૂ કરે.