આર્યન ખાન કેસમાં સમીર વાનખેડેને દિલ્હી હાઈકોર્ટથી રાહત, 22 મે સુધી ધરપકડ નહીં
દિલ્હી હાઈકોર્ટે આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને વચગાળાની રાહત આપી હતી. હાઈકોર્ટે વાનખેડે સામે ધરપકડ સહિતની કોઈપણ કાર્યવાહી પર 22 મે સુધી રોક લગાવી દીધી છે. આ સિવાય વાનખેડેને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ સૂચના એવા સમયે આવી છે જ્યારે CBIએ આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો છે. રિટ પિટિશનના આધારે વાનખેડેને રાહત મળી હતી. જેમાં વાનખેડે અને NCBના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચેની ચેટ સામે આવી છે. એવું બહાર આવ્યું છે કે NCBના વરિષ્ઠ અધિકારીઓ પોતે ઈચ્છતા હતા કે આર્યન ખાનને વધુમાં વધુ દિવસો સુધી NCB કસ્ટડીમાં રાખવામાં આવે.
CBIએ શું લગાવ્યો આરોપ?
CBIએ આરોપ લગાવ્યો છે કે વાનખેડેએ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના પરિવાર પાસેથી તેને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. આ સંદર્ભમાં, સીબીઆઈએ તાજેતરમાં વાનખેડેના સ્થળો પર દરોડા પાડ્યા પછી એફઆઈઆર નોંધી હતી.
સીબીઆઈએ એનસીબીની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120બી (ગુનાહિત કાવતરું) અને 388 (ધમકાવીને ખંડણી) ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ લાંચ સંબંધિત જોગવાઈઓ હેઠળ વાનખેડે અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.
એન્ટી-ડ્રગ એજન્સી NCBએ 3 ઓક્ટોબર, 2021ના રોજ આર્યન ખાનની ધરપકડ કરી હતી. ખાન લગભગ 25 દિવસ જેલમાં રહ્યો અને 28 ઓક્ટોબર, 2021ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા. 27 મે, 2022ના રોજ આર્યન ખાનને ક્લીનચીટ આપતી વખતે એનસીબીએ કહ્યું હતું કે તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.