ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠામાં રેતીના 250 લીઝ ધારકોની હડતાલ

Text To Speech
  • કવોરીઓમાં આડેધડ દંડ ફટકારતા લીજ હોલ્ડરો ભડક્યા
  • ક્વોરીઓ બંધ રહેતા સરકારને રોયલ્ટીની કરોડની આવકનો ફટકો

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં રેતીના લીઝ ધારકોને ભૂસ્તર અધિકારી દ્વારા આડેધડ દંડ ફટકારતા લીઝ ધારકોએ હડતાલ કરી કવોરીઓ બંધ કરી દેતા સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી ની આવક ગુમાવવી પડી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં લગભગ અઢીસો જેટલી રેતીની કવોરીઓ આવેલી છે. જેમાં તાજેતરમાં જ કાંકરેજ તાલુકાના કંબોઇ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસની એસઓજીની ટીમે નદીમાં લીઝ સિવાયના વિસ્તારમાં ચાલતા ત્રણ હીટાચી મશીનો ઝડપી લીધા હતા. જે બાદ પોલીસે બનાસકાંઠા ભૂસ્તર વિભાગને જાણ કરતા ભૂસ્તર અધિકારીએ ત્રણેય લિઝ ધારકોને મોટી રકમનો દંડ ફટકાર્યો હતો.જિલ્લામાં રેતીની મોટા પ્રમાણમાં કવોરીઓ આવેલી હોઇ ભૂસ્તર વિભાગની ટીમ અવારનવાર ચેકિંગ કરતી જ હોય છે. ત્યારે નદીમાં ચાલતા મશીન પકડવાનું કામ ભૂસ્તર વિભાગનું હોય છે. તેમ છતાં પોલીસે મશીન પકડી ખોટી રીતે હેરાનગતિ કરતા તેમજ ભૂસ્તર અધિકારીએ આડેધડ દંડ ફટકારતા પ્લીઝ હોલ્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે લીઝ હોલ્ડરોએ છેલ્લા બે દિવસથી હડતાલ કરી તમામ કવોરીઓ બંધ કરી દેવાઇ છે. જેના કારણે સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીની આવકનો ફટકો પડ્યો છે.

લીઝ હોલ્ડરોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી રેતીની લીઝોમાં ભૂસ્તર વિભાગ સિવાય પોલીસ, રેવન્યુ સહિત અન્ય વિભાગોની હેરાનગતિ ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે. આ રીતે બધા વિભાગો હેરાનગતિ કરશે તો ક્વોરીઓ ચાલી શકશે નહીં. જેથી સરકારને પણ રોયલ્ટીની કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડશે. રેતીની કવોરીઓમાં ચાલી રહેલી હડતાલના કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ અસર જોવા મળી રહી છે. બાંધકામની સાઈટ ઉપર રેતી ન પહોંચતા બિલ્ડરોને પણ કામ બંધ રાખવું પડી રહ્યું છે. જેથી સરકાર દ્વારા લીઝ હોલ્ડરોને થતી ખોટી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી લીઝ હોલ્ડરોની માંગ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં સહકારી મંડળીના ઓડિટર 50 હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં

Back to top button