પાકિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સી સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાનની સેનેટની નાણાકીય બાબતોની સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનના નાણા મંત્રી આયેશા ગૌશ પાશાએ કહ્યું છે કે સરકાર તેને દેશમાં ક્યારેય કાયદેસર નહીં કરે. તેમણે કહ્યું કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) અને IT મંત્રાલયે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ સાથે તેમણે એ પણ માહિતી આપી કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પણ આ અંગે શરતો લાદી છે અને ક્રિપ્ટોકરન્સીને મંજૂરી આપી શકાય નહીં.
પાકિસ્તાનના અબજો ડોલર ક્રિપ્ટોકરન્સીમાં ફસાયા!
પાકિસ્તાની સાંસદ સલીમ માંડવીવાલાએ કહ્યું કે પાકિસ્તાનના અબજો ડોલર ક્રિપ્ટોકરન્સીમાં રોકાયેલા છે. બીજી તરફ, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના અધિકારીઓએ પણ કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સી એક ફ્રોડ છે, જેને ક્યારેય માન્યતા ન આપી શકાય. અધિકારીઓએ કહ્યું છે કે પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને ફાઇનાન્સિયલ મોનિટરિંગ યુનિટ, ક્રિપ્ટોકરન્સીમાં પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણ સામે કડક પગલાં લઈ રહ્યા છે.
પાકિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સી મામલે શું પગલાં લેવાયા?
પાકિસ્તાને દેશના ઇન્ટરનેટ પર ક્રિપ્ટોકરન્સી સંબંધિત તમામ સેવાઓને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન સરકારે કહ્યું કે આ FATF માર્ગદર્શિકા હેઠળ દેશમાં ડિજિટલ ચલણના ગેરકાયદેસર વ્યવહારોને રોકવામાં મદદ કરશે. વાસ્તવમાં, FATFએ પાકિસ્તાનની સામે એક શરત મૂકી હતી કે દેશમાં ક્યારેય ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવામાં ન આવે. ખુદ કેન્દ્રીય મંત્રી પાશાએ આ અંગે માહિતી આપી હતી. તેમની વાત સાથે સહમત થતા, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ડિરેક્ટર સોહેલ જાવેદે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી સાથે ઘણું જોખમ સંકળાયેલું છે. તેમણે કહ્યું કે એક સમયે $2.8 ટ્રિલિયનનું ક્રિપ્ટોકરન્સી માર્કેટ હવે માત્ર $1.2 ટ્રિલિયન છે.
ક્રિપ્ટોકરન્સીમાં ફસાયેલા પૈસાનું શું થશે?
સલીમ માંડવીવાલાએ ક્રિપ્ટોકરન્સીમાં ફસાયેલા પાકિસ્તાનીઓના અબજો રૂપિયા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે સેન્ટ્રલ બેંકના અધિકારીઓએ કહ્યું કે FIA અને FMU તેના પર કામ કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીના માઈનિંગમાં જોરદાર તેજી આવી રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાનના ઘરને પોલીસે ઘેરી લીધું, કહ્યું- 40 આતંકીઓને આશ્રય આપ્યો