પાલનપુર, કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી રેલવે ટ્રેનનો વ્યવહાર બંધ કરાયો હતો. જે હવે પૂર્વવત થવા માંડયો છે. ત્યારે બે વર્ષથી બંધ પાલનપુર- ભુજ ટ્રેનને પણ શનિવારથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાધનપુર થી ગાંધીધામ સુધી ઇલેક્ટ્રીફિકેશન કામ ચાલુ હોવાથી હાલ આ ટ્રેન રાધનપુર સુધી જ દોડશે.
બનાસકાંઠા અને કચ્છ બન્ને જિલ્લા એકબીજા સાથે જોડાયેલા છે અને બંને જિલ્લાના લોકોને મુસાફરીમાં સરળતા રહે તે માટે પાલનપુર- ભુજ વચ્ચે લોકલ તેમજ એક્સપ્રેસ એમ બે ટ્રેનની સુવિધાઓ હતી. જે કોરોના કાળના સમય દરમિયાન છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે સ્થિતિ સામાન્ય બનતા શનિવારથી આ ટ્રેન પૂર્વવત દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ ટ્રેન શરૂ કરવા માટે મુસાફર વર્ગની પણ માંગણી હતી. જેને ધ્યાને લઇને ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે ટ્રેન રાધનપુરથી સવારે 9:45 કલાકે ઉપડી ડીસા 11:19 કલાકે પહોંચશે, અને પાલનપુર ખાતે બપોરે 12:30 વાગ્યા સુધી પહોંચશે. જ્યારે બપોરે 1:10 કલાકે પાલનપુરથી ટ્રેન ઉપડશે જે બપોરે 3:30 કલાકે રાધનપુર ખાતે પહોંચશે. હાલમાં રાધનપુર થી ગાંધીધામ વચ્ચે રેલવે ની ડબલ લાઈન તેમજ ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ ટ્રેન અત્યારે રાધનપુર સુધી દોડાવવામાં આવનાર છે. જો કે રેલવેના આ નિર્ણયથી મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.