બનાસકાંઠા : ડીસામાં પાણીના બોર ઓપરેટરનું હાર્ટએટેકથી મોત
- ગરમીના કારણે હાર્ટએટેકથી મોત થયું હોવાનું અનુમાન
પાલનપુર : ડીસામાં પાણીના બોર ઓપરેટરનું ફરજ પર આકસ્મિક મોત થયાંની ઘટના બની છે. ઘટનાને પગલે ડીસા નગરપાલિકા પ્રમુખ અને નગર સેવકો સહિતના પરિવારના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અસહ્ય ગરમીના કારણે બોર ઓપરેટરનું મોત થયું હોવાનું અનુમાન છે.
ડીસાના નવાવાસ વિસ્તારમાં રહેતા કીર્તિભાઈ શંકરલાલ સોલંકી છેલ્લા 27 વર્ષથી નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા.અને આજે તેઓ રાબેતા મુજબ એસીડબલ્યુ હાઈસ્કુલમાં આવેલ પાણીના બોર પર ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે અચાનક તેઓ બોર પાસેજ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત નગરસેવકો અને તેમના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ કિર્તીભાઈને ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને ત્રણ સંતાનોના પિતાનું આકસ્મિક મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. તેમના મોત અંગેનું સાચું કારણ જાણી શકાયું નથી પરંતુ સારવાર અર્થે ખસેડતાં તબીબોએ તેમનું હાર્ટએટેકના હુમલાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. જેથી કીર્તિભાઈ સોલંકીનું ગરમીના કારણે મોત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. છેલ્લા 27 વર્ષથી નોકરી કરતાં અને સરળ સ્વભાવના,સીધા સાદા બોર ઓપરેટરનું આકસ્મિક મોત થતાં નગરપાલિકા સહિત ઠાકોર સમાજમાં ગમગીની છવાઈ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં વિવાદિત બગીચામાં હાઈકોર્ટેનો હુકમ છતાં બગીચો શરૂ ન કરાતાં ફરી નોટીસ