બનાસકાંઠા : ડીસામાં બનાસ અને સિપુનદી પર આડબંધ અને નવા વીજ સબસ્ટેશન બનાવવા માંગ
- ભારતીય કિસાન સંઘે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
પાલનપુર : બનાસકાંઠામાં બનાસ નદી અને સીપુ નદી પર આડબંધ અને વીજળીના સબ સ્ટેશનની માગણી સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જિલ્લામાં પાણીની સમસ્યા છે અને પાણીની તકલીફ નિવારવા માટે તંત્રને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો સમસ્યાનો હલ નહીં થાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ડીસાની બનાસ નદીમાં વર્ષોથી બેફામ ખનીજનું ખનન થઈ રહ્યું છે. જેને લઈને નદીમાં પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે અને પાણીની સમસ્યા ઊભી થઈ છે. ઉનાળામાં તો સિંચાઈ માટે અને પશુઓને પીવાના પાણીની તીવ્ર તંગી વર્તાય છે. ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે(મંગળવારે )ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. બનાસનદી અને સીપુ નદીમાં આડ બંધ બાંધી ચોમાસામાં વહી જતા પાણીને રોકવામાં આવે તો આજુબાજુના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોની સિંચાઈ માટેની સમસ્યાઓ ઉકેલ આવી શકે.
ભારતીય કિસાન સંઘના અગ્રણી હીરાજી માળી,મોહનલાલ માળી,ગણેશાજી જાટ અને ગોવિંદભારથી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો મોટેભાગે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે. ત્યારે પાણી અને વીજળીની પડતી મુશ્કેલીઓ આ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય છે. સરકારે નવા સબ સ્ટેશન બનાવવાની વાત કરી છે. પરંતુ યુજીવીસીએલ પાસે અત્યારે જગ્યા નથી ત્યારે સરકાર ગામડાઓમાં રહેલી સરકારી જગ્યા પર સબ સ્ટેશન બનાવે તો વીજળીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે.
તંત્ર પણ સ્વીકારે છે કે, બનાસ નદીમાં ખનીજનું બેફામ ખનન થઈ રહ્યું છે અને એ પણ સ્વીકારે છે કે, બનાસકાંઠામાં પાણીની સમસ્યા છે. જેથી ભારતીય કિસાન સંઘની રજૂઆતને પગલે ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલે જણાવ્યું હતું કે તેઓ કલેકટર અને સિંચાઈ વિભાગ સાથે પણ બેઠક કરશે. અને આ મહત્વના પ્રશ્નોનો કઈ રીતે ઉકેલ લાવી શકાય તેમજ ભૂગર્ભજળ કેવી રીતે ઊંચા લાવી પાણીની સમસ્યા નિવારી શકાય તે બાબતે ચર્ચા કરી અને પાણીની સમસ્યા હલ કરવાના પ્રયત્નો હાથ ધરાશે.
આ પણ વાંચો : બનાસકાંઠા: પાલનપુર શહેરમાં ભર ઉનાળે ધરોઇમાંથી ઓછું પાણી આપતા રાડ ઉઠી