ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગરમી સંબંધિત બીમારીના ઈમરજન્સી કોલ્સથી દોડધામ

  • ચક્કર ખાઈને પડી જવા સહિતના કેસમાં સપ્તાહમાં જ 14%નો વધારો
  • અમદાવાદમાં મે મહિનાના બીજા સપ્તાહમાં કેસમાં 21 ટકાનો ઉછાળો
  • બપોરે ભરતડકે બહાર નીકળવાનું ટાળવું જોઈએ

શહેરોમાં આકરી ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવા સહિતના કેસમાં સપ્તાહમાં જ 14%નો વધારો થયો છે. જેમાં ગુજરાતમાં ગરમી સંબંધિત બીમારીના ઈમરજન્સી કોલ્સથી દોડધામ થઇ છે. તથા અમદાવાદમાં મે મહિનાના બીજા સપ્તાહમાં કેસમાં 21 ટકાનો ઉછાળો થયો છે. તથા બેભાન થવાના રોજના 40થી 50 જેટલા કેસ 108 ઈમરજન્સી સર્વિસને મળી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના આ રસ્તાઓ બુલેટ ટ્રેન, મેટ્રોરેલ કામના કારણે બંધ 

બપોરે ભરતડકે બહાર નીકળવાનું ટાળવું જોઈએ

કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલટી, બેભાન થવું કે ચક્કર ખાઈને પડી જવું, પેટમાં દુઃખાવો સહિતના ઈમરજન્સી કેસની સંખ્યામાં વધારો થયો છે, મે મહિનાના પહેલાં સપ્તાહની સરખામણીએ મે મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતમાં આવા કેસ 14 ટકા વધ્યા છે જ્યારે અમદાવાદ શહેરમાં 21 ટકા જેટલો વધારો નોંધાયો છે. તબીબોનું કહેવું છે કે, બપોરે ભરતડકે બહાર નીકળવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો, અન્ય બીમારીથી પીડાતાં હોય તેવા લોકોએ કાળજી રાખવી જોઈએ.

સૌથી વધુ અમદાવાદ શહેરમાં હિટ સ્ટ્રોકના 8 કેસ નોંધાયા

ગરમીના કારણે બેભાન થઈને પડી જવું, ઝાડા ઉલટી સહિતના ગુજરાતમાં મે મહિનાના પહેલાં સપ્તાહમાં 4,829 જેટલા કેસ નોંધાયા હતા, જોકે બીજા સપ્તાહમાં નવા 5,500થી વધુ કેસ નોંધાયા છે, આમ ગત સપ્તાહની સરખામણીએ 14 ટકા જેટલો વધારો થયો છે. આ તમામ કોલ્સ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં એક જ સપ્તાહમાં 21 ટકા કેસ વધ્યા છે. અમદાવાદમાં ગરમી સંબંધિત 1149 કેસ હતા, એ પછી છેલ્લા સપ્તાહમાં નવા 1393 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે હિટ સ્ટ્રોકને લગતાં 7 કેસ હતા, જે છેલ્લા સપ્તાહે 29 થયા છે, એમાંય સૌથી વધુ અમદાવાદ શહેરમાં હિટ સ્ટ્રોકના 8 કેસ નોંધાયા છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં ગરમી સંબંધિત વિવિધ બીમારીના રોજના 700થી 800 જેટલા કોલ્સ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં 180થી 210 જેટલા રોજના કેસ સામે આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં આવા 441 કેસ મળ્યા હતા

મહત્ત્વનું છે કે, મે મહિનાના 10 જ દિવસમાં ગુજરાતમાં ચક્કર ખાઈને પડી જવાના 1736 કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ શહેરમાં આવા 441 કેસ મળ્યા હતા. અમદાવાદમાં અત્યારે ચક્કર ખાઈને પડી જવું કે બેભાન થવાના રોજના 40થી 50 જેટલા કેસ 108 ઈમરજન્સી સર્વિસને મળી રહ્યા છે.

Back to top button