દિલ્હી-લંડન ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર પર હુમલો, મુસાફર પર બે વર્ષનો પ્રતિબંધ
HD ન્યુઝ ડેસ્કઃ દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કરનાર અને મારપીટ કરનાર એર પેસેન્જરને દેશમાં બે વર્ષ માટે ઉડ્ડયન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એર ઈન્ડિયા દ્વારા જસકીરત સિંહ નામના 25 વર્ષના હવાઈ યાત્રી પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીથી લંડન જઈ રહેલી ફ્લાઈટમાં એક એર પેસેન્જર ક્રૂ મેમ્બર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જ્યારે અન્ય ક્રૂ મેમ્બર્સ તેને રોકવા આવ્યા તો તે પણ તેમની સાથે ઝઘડો કર્યો. આ દરમિયાન તેણે તેની સાથે મારપીટ પણ કરી હતી. આમાં બે ક્રૂ મેમ્બર પણ ઘાયલ થયા છે. જેના કારણે ફ્લાઈટને દિલ્હી પરત લાવવી પડી હતી અને આરોપીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. મામલો આ વર્ષે 10 એપ્રિલનો છે.
એર ઈન્ડિયા મેનેજમેન્ટે રેગ્યુલેટરી બોડી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને આ કેસમાં આરોપી પેસેન્જરને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકવા વિનંતી કરી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-111 એ 10 એપ્રિલે સવારે લગભગ 6.35 વાગ્યે દિલ્હીથી લંડનના હીથ્રો એરપોર્ટ માટે ટેકઓફ કર્યું હતું. આરોપી મુસાફર તેના પરિવારના સભ્યો સાથે લંડન જઈ રહ્યો હતો. ટેકઓફના થોડા સમય બાદ પેસેન્જરે ગેરવર્તણૂક શરૂ કરી દીધી હતી. એરક્રાફ્ટમાં તૈનાત ક્રૂ મેમ્બરોએ તેને શાંત રહેવા અને સ્ટાફ સાથે ખરાબ વર્તન ન કરવા ચેતવણી આપી હતી. આ ચેતવણી બાદ પણ તે શાંત ન થયો અને મારામારી શરૂ કરી દીધી. જેમાં બે કર્મચારી ઘાયલ થયા હતા.