- TET-1નું માત્ર 3.78 ટકા પરિણામ આવ્યુ છે
- 73,271માંથી 2,769 ઉમેદવાર જ પાસ થયા
- ધો.1થી 5ના શિક્ષક માટેની કસોટીનું સૌથી નબળું પરિણામ
ધો.1થી 5માં શિક્ષક બનવા માટેની અભિયોગ્યતા કસોટી (ટેટ-1)નું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શુક્રવારે મોડી સાંજે પરિણામ જાહેર કરાયું હતું. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ટેટ-1નું અત્યાર સુધી લેવાયેલી કુલ 4 પરીક્ષાઓમાં સૌથી નબળું માત્ર 3.78 ટકા જ પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં આખા રાજ્યમાંથી 73,271 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં જેમાંથી માત્ર 2,769 જ ઉમેદવાર પાસ જાહેર થયા છે અને 70,502 નાપાસ જાહેર થયા. પાસ થયેલા ઉમેદવારોમાં સૌથી વધુ 2,697 ઉમેદવાર ગુજરાતી માધ્યમના છે જ્યારે અંગ્રેજી માધ્યમના 37 અને હિન્દી માધ્યમમાં 35 ઉમેદવાર પાસ જાહેર થયા છે. આ પહેલાની ત્રણ પરીક્ષાના પરિણામ જોઈએ તો વર્ષ-2014માં 9.95 ટકા, વર્ષ-2015માં 16.14 અને વર્ષ-2018માં 8.36 ટકા પરિણામ આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં મસ્જિદનો કેટલોક ભાગ મુસ્લિમ બિરાદરોએ જાતે ઉતાર્યો
શિક્ષણ વિભાગે પોતાની અનુકૂળતા મુજબ અત્યાર સુધીમાં કુલ 4 વર્ષ પરીક્ષા લીધી
ધો.1થી 5માં શિક્ષક બનવા માટે ટીચર એલિજિબીલીટી ટેસ્ટ (ટેટ-1) લેવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ-2014થી કરવામાં આવી છે. આ પરીક્ષા આમ તો દર વર્ષે લેવી તેવી જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગે પોતાની અનુકૂળતા મુજબ અત્યાર સુધીમાં કુલ 4 વર્ષ પરીક્ષા લીધી છે. શુક્રવારે જેનું પરિણામ જાહેર કરાયું તે પરીક્ષા 16 એપ્રિલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ 86,025 ઉમેદવારોએ અરજી કરી હતી જેમાંથી 73,271 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા ઉમેદવાર પૈકી માત્ર 2,769 જ પાસ થતા પરિણામ 3.78 ટકા આવ્યું છે. ટેટ-1ની કુલ 150 માર્કસની આ પરીક્ષામાં SC, ST, OBC કેટેગરી તેમજ વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં 62 ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કર્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારો માટે પાસિંગ માર્ક્સ 90 નક્કી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નૈતિકતાના વખાણ કર્યા
ઉમેદવારોને ફોર્મ ભરવા માટે મુદત આપવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક માટેની યોગ્યતા કસોટી ટેટ-1 અને ટેટ-2નું જાહેરનામું ગત ઓક્ટોબર-2022માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. જાહેરનામા મુજબ 21મી નવેમ્બર-2022થી 5મી ડિસેમ્બર-2022 સુધીમાં ઉમેદવારોને ફોર્મ ભરવા માટે મુદત આપવામાં આવી હતી, એ પછી મુદત વધારીને 31મી ડિસેમ્બર-2022 કરાઈ હતી. આ દરમિયાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી હોવાથી પરીક્ષા લેવાની તારીખ જાહેર થઈ શકી નહોતી. એ પછી નવી સરકાર બની ગયા બાદ થોડા સમય પહેલા ગત 18 માર્ચ-2023ના રોજ સરકારની મંજૂરી આવવાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-1 અને ટેટ-2ની તારીખ જાહેર કરવામાં આવી હતી.