પાલનપુરના ડીવાયએસપી ના પુત્રનું કેનેડામાં રહસ્યમય મોત
પાલનપુર: વિદેશમાં અભ્યાસ કરતાં ગુજરાતી પરિવારોના સંતાનોની ચિંતા થાય તેવા સમાચાર આવ્યા છે. જેમાં ટોરોન્ટોમાં રહેતા પાલનપુરના DySPના દીકરાની લાશ મળી આવી છે. જેઓ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા DySPનો દીકરો આયુષ સાત દિવસ અગાઉ અચાનક ગુમ થયો હતો. જે કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો.
મોદીની સિક્યોરિટીમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારીનો દીકરો ટોરોન્ટોમાં ગુમ થયો હતો
મૂળ ભાવનગર પાસે આવેલા સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો, જે ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. જેના સમાચાર મિત્રોએ પરિવારને આપ્યા હતા. તેમજ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના બીજા દિવસે કેનેડા પોલીસને આયુષની લાશ મળી હતી.
છ મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પૂરી થવાની હતી. ત્રણ વર્ષ કોલેજ કરી પાછો માસ્ટર્સનું ભણતો હતો. આયુષ ગઈ 5 તારીખે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ દોઢ દિવસ સુધી ઘરે પાછો નહોતો ફર્યો ત્યારે તેના મિત્રોએ આયુષના પિતા રમેશભાઈને ફોન કર્યો કે આયુષ દોઢ દિવસથી ઘરે નથી આવ્યો. અને ફોન રિસીવ નથી કરતો. ત્યારે રમેશભાઈએ તેમને પોલીસમાં મિસિંગ રિપોર્ટ લખાવી દેવાનું કહ્યું હતું. પછી મિત્રોએ ત્યાંની પોલીસમાં ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો હતો. ત્યારબાદ કેનેડા પોલીસે તંત્ર તપાસ શરૂ કરતાં 6 કે 7 કલાકમાં એક ડેડબોડી મળી છે, જેની ખરાઈ કરવા મિત્રો ત્યાં પહોંચે એ અગાઉ હોસ્પિટલે ડેડબોડી પહોંચી ગઈ હતી. અને પોલીસે આયુષનો ફોટો બતાવ્યો હતો.
ફોટો જોઈને મિત્રોએ દ્વિધા અનુભવી કે આયુષ છે કે કેમ? પરંતું એક મિત્રએ આયુષ જ છે તેમ જણાવ્યું. તપાસ બાદ આયુષ જ નીકળ્યો. જોકે ફોટો બતાવ્યો એના ત્રીજા દિવસે ખબર પડી કે એ આયુષ જ છે. આયુષનું મોત કયા સંજોગોમાં થયું તેના કારણની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તંત્ર દ્વારા CCTV ફૂટેજ તેમજ લોકેશન પણ તપાસવામાં આવી રહ્યા છે. આયુષ સ્વભાવે સરળ, અભ્યાસમાં બ્રિલિયન્ટ – ટોપર અને મળતાવડો હતો. આયુષના ગુમ થવાના સમાચાર સૌથી પહેલા આયુષના પિતા રમેશભાઈને મળ્યા હતા. પછી મૃત્યુના સમાચાર આવ્યા હતા.
આ ઘટના માં CMO અને PMOની પણ મદદ મળી હતી. તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ મદદ કરી હતી. કેનેડામાં BAPS સંસ્થા તેમજ ગુજરાતી સમાજના લોકોએ પણ મદદ કરી હતી. જેના કારણે સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ હતી. આયુષની ડેડબોડી રવિવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે.
આયુષ ના પિતાએ મોદીની સિક્યુરિટીમાં 14 વર્ષ બજાવી હતી
આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે.જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2001થી 2014 સુધી તેમની સિક્યૉરિટીમાં ફરજ બજાવી ચૂક્યા છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: ભાભરના સીસોદરા ગામમાં વાછરડીની પેંડા તુલા કરાઈ