તલાટીની પરીક્ષા : M.S યુનિવર્સિટીમાં ડમી ઉમેદવાર બેસાડ્યા ? 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લેવાતા કૌભાંડની શંકા
સતત વિવાદમાં રહેતી વડોદરાની M.S યુનિવર્સિટી આજે ફરી એક વાર વિવાદમા આવી છે. ગત 7 મેના રોજ લેવાયેલ તલાટીની પરીક્ષામાં M.S યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. તલાટીની પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થયો છે. જાણકારી મુજબ પોલિટેકનિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાં ગંભીર ક્ષતી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી પરીક્ષામાં કોઈ કૌભાંડ તો નથી થયુ ને ? આ બાબતની તપાસ માટે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
તલાટીની પરીક્ષામાં M.S યુનિવર્સિટીની ગંભીર બેદરકારી
વડોદરામાં ગત 7 માર્ચે ચોજાયેલી તલાટી ક્રમ મંત્રીની પરીક્ષામાં M.S યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે. યુનિવર્સિટીના પોલિટેકનીક યુનિટ ખાતે 8 બ્લોકમા પરીક્ષા આપનારા 123 પરીક્ષાર્થીઓ પાસેથી O.M.R. શીટમાં થમ્બ ઈમ્પ્રેશન જ લેવાયા નહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેથી ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડવા હેતુ આવુ તરકટ કરાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે જિલ્લા કલેક્ટર અતુલ ગોરે તપાસના આદેશ આપતા યુનિવર્સિટીના શિક્ષણ જગતમાં ભારે ગરમાવો આવ્યો છે.
ડમી ઉમેદવારને પરીક્ષામા બેસાડ્યા હોવાની ચર્ચા
શહેરના 179 પરીક્ષા કેન્દ્રો પૈકી એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનીક કોલેજ ખાતેના યુનિટમાં 15 બ્લોકે પરીક્ષા કેન્દ્રમાં હતા. જ્યાં અંદાજે 450 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ 15 પૈકી 8 બ્લોકમાં ઉમેદવારોની O.M.R. શીટમાં થમ્બ ઈમ્પ્રેશન જ લેવાયા નહી હોવાની વિગતો સામે આવી છે. અહી 123 ઉમેદવારોને OMR સીટ પર તેમની સહી લેવાઈ હતી, પરંતુ કોઈક કારણથી અંગુઠાના નિશાન જ નહીં લેવાના કારણે અનેક તર્ક વિતર્ક ફેલાયો છે. આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ તો કરવામાં આવી નથી ને ? તેવી પણ શંકા જઈ રહી છે. ત્યારે ડમી ઉમેદવારોને પરીક્ષા ખંડમાં બેસાડીને પરીક્ષા અપાવી હોવાની ચર્ચાએ પણ હવે જોર પકડ્યું છે. 327 ઉમેદવારના ઇમ્પ્રેસન લીધા તો અન્ય 123 ઉમેદવારતા કેમ ના લેવાયા ? શંકાપ્રેરક સવાલ ઉભો થઈ રહ્યો છે.
CCTV ના આધારે થશે ક્રોસ વેરીફિકેશન
પોલિટેકનીક કોલેજ ખાતે મુખ્ય પ્રવેશ પાસે, વિવિધ બ્લોકની લોબીમાં તેમજ 15 બ્લોકના તમામ પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. તે તમામ કેમેરાના ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરવામા આવશે. અને જેમના થમ્બ ઈમ્પ્રેશન લેવાયા નથી તેવા તમામ ઉમેદવારોનુ કોસ વેરીફિકેશન કરવામા આવશે.
જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
વિગતો બહાર આવતા જિલ્લા કલેક્ટર અતુલ ગોરે તપાસના આદેશ કર્યા હોવાનુ જાણવા મળે છે. જેને લઈને એમ.એસ.યુનિવર્સિટીના સંકુલમાં ગરમાટો આવી ગયો છે. હવે, તપાસમાં શું બહાર આવે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.
આ પણ વાંચો : કાળઝાળ ગરમીમાં શેકાયા આ 10 શહેરના લોકો, 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું