હમ તુમસે ના કુછ કહે પાયેઃ આ કારણે પુરુષો વ્યક્ત કરી શકતા નથી ફિલિંગ્સ
- પુરુષો પોતાના ઇમોશન્સ છુપાવીને રાખે છે અને ખુલી શકતા નથી
- કદાચ પુરુષો એક તબક્કે સ્ત્રીઓ કરતા પણ વધુ ભાવુક હોઇ શકે છે
- બદલાતા જતા સમાજની સાથે આપણે હવે આ ધારણા બદલવાની જરૂર છે
પુરુષો પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાની બાબતમાં થોડા સેન્સિટીવ હોય છે. સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં પોતાની જાતને વ્યક્ત કરી દેતી હોય છે. પુરુષો કદાચ પોતાની નજીકની વ્યક્તિની સામે પણ એટલા ખુલી શકતા નથી. તેઓ પોતાના ઇમોશન્સ છુપાવીને રાખે છે. તેઓ વ્યક્ત થઇ જવામાં માનતા નથી. જોકે તેનો અર્થ એ બિલકુલ નથી કે તેમનામાં ઇમોશન્સ ઓછા હોય છે. કદાચ તેઓ સ્ત્રીઓ કરતા પણ વધુ ભાવુક હોઇ શકે છે.
જે વ્યક્તિ ભાવુક છે તે નબળી છે એવુ પહેલેથી આપણા મનમાં ઠસાવી દેવામાં આવ્યુ છે અને પુરુષો પોતાની જાતને નબળા બતાવવા ઇચ્છતા નથી, તેથી તેઓ પોતાની અંદર ચાલતા તોફાનને પણ અંદર દબાવી રાખે છે. ક્યારેક જરૂર હોય તો પણ તેઓ કોઇની મદદ માંગી શકતા નથી. નાના હતા ત્યારથી આપણે સાંભળતા આવ્યા છે કે ‘મર્દ કો દર્દ નહીં હોતા’. બદલાતા જતા સમાજની સાથે આપણે હવે આ ધારણા બદલવાની જરૂર છે.
એક સમય હતો જ્યારે પુરુષોને ઘરથી દુર યુદ્ધ ભૂમિમાં લડવા માટે જવાનું હતુ. જ્યાં ભાવુક થવુ કોઇ અભિશાપ કરતા ઓછુ ન હતુ. જોકે હવે સમય અને વસ્તુઓ બદલાઇ ગઇ છે. છતાં પણ હજુ પુરુષો પોતાના દિલની વાતો શેર કરવામાં પાછા પડે છે. તેની પાછળ સામાજિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત કારણો જવાબદાર છે.
આ કારણે મરી જાય છે લાગણીઓ
પોતાના ઇમોશન્સને લાંબા સમય સુધી દબાવી રાખવાથી વ્યક્તિની માનસિક રોગોથી ગ્રસિત થવાની શક્યતાઓ વધી જાય છે, જોકે પુરુષો તેની પરવાહ કર્યા વગર તર્કસંગતતા અને રુઢિવાદને પ્રાથમિકતા આપે છે કેમકે સમાજે તેને આજ શીખવ્યુ છે. તેઓ પથ્થરની જેમ મજબૂત રહે છે, તેથી તેમનામાં લાગણીઓ મરી જાય છે.
નબળા દેખાવાનો ડર હોય છે
પુરુષ હોવાની પરિભાષા તેમને પોતાના અસ્તિત્વ કરતા અલગ કરી દે છે. આવા સંજોગોમાં તેઓ પોતાની ભાવનાઓને છુપાવી રાખવી જરૂરી સમજે છે. આ કારણે પુરુષો કોઇની સામે નબળા દેખાતા નથી. જે પુરૂષો પોતાના નજીકના લોકોને મનની વાત નથી કરી શકતા તેની પાછળ ચિંતા પણ કારણભૂત હોય છે.
Gents,Please આટલું ધ્યાન રાખો
- પોતાની ભાવનાઓ અંગે વાત કરવાથી તણાવ ઘટે છે. પોતાની લાગણીઓ શેર કરવાથી ચિંતા, તણાવ ઘટે છે
- જ્યારે તમે કોઇ વ્યક્તિ સાથે તમારી ભાવનાઓ વ્યક્ત કરો છો ત્યારે તેની સાથેનું જોડાણ અનુભવો છો અને વિશ્વાસની લાગણી ઉત્પન્ન કરે છે. તમારા સંબંધો મજબૂત થાય છે.
- મદદ માંગવી એ તાકાતનું પ્રતિક છે, નબળાઇનું નહીં અને તે તમારી મેન્ટલ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક બનશે.
આ પણ વાંચોઃ વાળનો ગ્રોથ વધારશે આ નેચરલ ઓઈલ, આજે જ અજમાવી જુઓ