ઈઝરાયેલના હુમલામાં 25 પેલેસ્ટાઈનના મોત, ટોચનો આંતકી પણ ઠાર
ઈઝરાયેલ: છેલ્લા 3 દિવસથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સતત હુમલા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, 9 મહિનાની સૌથી મોટી લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 25 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જ્યારે 64 લોકો ઘાયલ થયા છે. તેમાં 5 મહિલાઓ અને 5 બાળકો પણ સામેલ છે. આ સિવાય ઈઝરાયેલે પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ (PIJ)ના ટોચના મિસાઈલ કમાન્ડર અલી હસન ગાલી ઉર્ફે અબુ મોહમ્મદને પણ મારી નાખ્યો છે.
બુધવારે, આતંકવાદીઓએ ગાઝામાં ઇઝરાયેલ પર 507 થી વધુ રોકેટ છોડ્યા હતા. ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, આમાંથી 368 રોકેટ સરહદ પાર કરી ગયા હતા, જ્યારે બાકીના ગાઝામાં રહ્યા હતા. તે જ સમયે, ઇઝરાયેલના સંરક્ષણ દળે ગાઝામાં 158 થી વધુ ઇસ્લામિક જેહાદ ઠેકાણાઓને નિશાન બનાવ્યા.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું- આ લડાઈ હજુ પૂરી થઈ નથી. અમે હમાસ અને પેલેસ્ટાઈન પર નજર રાખી રહ્યા છીએ. આ પહેલા 8 મેના રોજ ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા. આ મિશનને ઓપરેશન ‘શિલ્ડ એન્ડ એરો’ નામ આપવામાં આવ્યું હતું. ઈઝરાયેલે પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદી મૂવમેન્ટના ટોચના 3 કમાન્ડર અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરી નાખી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર ગાઝા પટ્ટી પર થયેલા હુમલામાં ફાઈટર જેટ સહિત 40 વિમાન સામેલ હતા. હુમલા પહેલા, વિસ્તારના 40 કિલોમીટરની અંદર રહેતા ઇઝરાયેલીઓને બોમ્બ આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે