ચક્રવાત ‘મોચા’એ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું, બંગાળમાં NDRFની 8 ટીમો તૈનાત
ચક્રવાત મોચા ધીરે ધીરે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાત ગંભીર સ્વરૂપ ધારણ કરવા માટે તૈયાર છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પણ આ માટે તૈયારીઓ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “ચક્રવાત મોચા 12મી મે 2023ના રોજ પોર્ટ બ્લેરથી લગભગ 520 કિમી પશ્ચિમ ઉત્તરમાં દક્ષિણપૂર્વ સંલગ્ન મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રિત છે.” ચક્રવાત મોચા રવિવારે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર દસ્તક આપી શકે છે. 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.
ચક્રવાત 14 મેના રોજ તોફાનમાં ફેરવાશે
NDRFની બીજી બટાલિયનના કમાન્ડન્ટ ગુરમિન્દર સિંહે કહ્યું છે કે ચક્રવાત મોચા 12 મેના રોજ ગંભીર તોફાનમાં અને 14 મેના રોજ અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. ભુવનેશ્વરમાં IMDના વરિષ્ઠ અધિકારી સંજીવ દ્વિવેદીએ આગાહી કરી છે કે 12 મેની સાંજે ચક્રવાત મધ્ય બંગાળની ખાડી પર ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ચક્રવાતની અસર પૂર્વોત્તરના રાજ્યોમાં જોવા મળશે
હવામાનની સ્થિતિની વાત કરીએ તો તેની અસર પૂર્વોત્તરના રાજ્યોમાં જોવા મળશે. શનિવારે (13 મે) ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે (14 મે) નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRFએ 8 ટીમો તૈનાત કરી છે, જ્યારે 200 બચાવકર્તાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ 100 બચાવકર્તાઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.
IMDએ માછીમારો, જહાજો, બોટ અને ટ્રોલર્સને રવિવાર સુધી મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી, ઉત્તર આંદામાન સમુદ્રમાં સાહસ ન કરવા જણાવ્યું છે. ઉપરાંત બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં જતા લોકોને દરિયાકિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. અગાઉ ભારતીય કોસ્ટ ગાર્ડે પણ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપતા ચેતવણી જારી કરી હતી.