ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાણી અને વીજળી માટે ખેડૂતો લડી લેવાનાં મૂડમાં : સમસ્યાનો ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં આજે(બુધવારે) ભારતીય કિસાન સંઘના અગ્રણીઓની અગત્યની બેઠક યોજાઇ હતી.જેમાં પાણી અને વીજળીની સમસ્યાને લઈ આગામી સમયમાં સરકાર કઈ રણનીતિ બનાવવી તે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.

ઉનાળાની શરૂઆત સાથે જે ડીસા સહિત બનાસકાંઠામાં પાણી અને વીજળીની તીવ્ર તંગી ઊભી થાય છે. તો અનેક વિસ્તારોમાં પાણીના તળ ખુબ જ ઊંડા હોવાના કારણે ઉનાળુ ખેતી પણ થઈ શકતી નથી. ડીસા પંથકમાં પણ પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે.જેના માટે ભારતીય કિસાન સંઘ સહિત ખેડૂત અગ્રણીઓએ અગાઉ સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી.

ખેડૂતો-humdekhengenews

ડીસામાં ભારતીય કિસાન સંઘના અગ્રણીઓની અગત્યની બેઠકમાં ચર્ચા

આજે ડીસા રાણપુર રોડ પર આવેલ સોમનાથ કોલ્ડ સ્ટોરેજ ખાતે ખેડૂતોએ બેઠક યોજી બનાસનદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ થાય. અને ડીસા પંથકમાં પાણીના તળ ઊંચા આવે તો ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો મહદંશે હલ આવી શકે. આ સિવાય સરકારે અત્યારે વીજળીની માંગને પહોંચી વળવા માટે નવા સબ સ્ટેશન બનાવવાની વાત કરી હતી. પરંતુ જગ્યાના અભાવે તે કામ હજી શરૂ થયું નથી. ત્યારે સરકાર જિલ્લા કલેક્ટરને જાણ કરી ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીન પર સબ સ્ટેશન બનાવવાનો હુકમ કરે તો ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વીજળીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. આ બંને માગ સાથે આગામી સમયમાં ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને આગેવાનો નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

ખેડૂતો-humdekhengenews

આ બેઠક અંગે કિસાન સંઘના અગ્રણીઓ હીરાજી માળી,તળસાજી માળી,મોહનલાલ માળી અને ગણેશાજી જાટ સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે બનાસ નદી પર ચેકડેમ બનાવે તો પાણીનો સંગ્રહ થાય અને ડીસા પંથકમાં પાણીના તળ ઊંચા આવે અને ગ્રામીણ વિસ્તારમાં સરકારી જમીન પર યુજીવીસીએલ સબ સ્ટેશન બનાવે તો વીજળીની સમસ્યાનો ઉકેલ આવે.આ બંને માંગણી સાથે આગામી સમયમાં અમે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરીશું અને જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે ધરણાં પર બેસી ઉગ્ર આંદોલન કરીશું.

આ પણ વાંચો :Gandhinagar : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ જોવા અપીલ કરી

Back to top button