ગુજરાતમધ્ય ગુજરાત

સોલાર પાવરથી ચાલતી એક એસી બસ જેમાં ગરીબ વિધાર્થીઓને અપાય છે શિક્ષણ, જુઓ શું છે આ નવતર પ્રયોગ

આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર રોજબરોજની જીવનશૈલી સાથે સર્વ પ્રકારે વણાઈ ગયું છે. આજે સમાજના દરેક વર્ગના લોકોને કમ્પ્યુટરના ઉપયોગ વિષે જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. છેવાડાના માનવીનું સંતાન પણ શિક્ષણ – કેળવણીની મુખ્યધારા સાથે જોડાય તેવા પ્રયાસો સતતપણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આજે ઘણી સામાજિક સંસ્થાઓ કેળવણી ક્ષેત્રે અનેકવિધ અમૃતકાર્યો થકી પોતાનું યોગદાન આપીને બાળકોના જીવન ઘડતર અને સર્વાંગી વિકાસના રાજ્ય સરકારના પ્રયાસોને સતત ટેકો આપતી રહે છે.આવી જ એક સંસ્થા છે ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન. આધુનિક યુગમાં કમ્પ્યુટરની જરૂરિયાતને ધ્યાનમાં લઇને ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન દ્વારા એક નવતર પ્રયોગ રૂપે પ્રોજેકટ “કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ” શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બસમાં 26 કમ્પ્યુટર્સ, 2 એરકન્ડિશનર, પંખા અને લાઈટ જેવી સુવિધાઓ દ્વારા હરતો ફરતો કમ્પ્યુટર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. આ ‘કમ્પ્યુટર બસ’ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર – આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.

ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન-humdekhengenews

 

“કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ” પ્રોજેકટ શું છે ?

“કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ” પ્રોજેકટ અંતર્ગત 11 વર્ષથી વધુ ઉંમરના વિધાર્થીઓ, કદી શાળામાં ભણવા ના જઈ શક્યા હોય એવા બાળકો, યુવા અને સ્ત્રી-વર્ગને કમ્પ્યુટરને લગતું હાર્ડવેર અને સોફ્ટવેરનું જ્ઞાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ત્રણ મહિનાના અભ્યાસક્રમ દરમિયાન માઇક્રોસોફ્ટ ઓફિસ (વર્ડ, પાવર પોઇન્ટ અને એક્સેલ), નેટવર્કિંગ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર હાર્ડવેરનું જરૂરી સામાન્ય જ્ઞાન આપવામાં આવે છે. ત્રણ મહિનાના બેઝિક કોર્સ દરમ્યાન સિદ્ધાંતિક અને વ્યવહારિક (થિયરી અને પ્રેકટીકલ) જ્ઞાન આપવામાં આવે છે. કોર્ષ કાર્ય પુરા થયા પછી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે અને ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓને પાસ થયાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ ક્ષેત્રે આગળ ભણવામાં રસ ધરાવતા વિધાર્થીઓને વધુ જ્ઞાન આપીને તૈયાર કરવામાં આવે છે. ઉત્તીર્ણ થયેલ યુવા વર્ગને કમ્પ્યુટરને લગતી નોકરી મેળવવામાં પણ મદદ કરવામાં આવે છે. 3 મહિનાના સંપૂર્ણ કોર્ષમાં સ્કિલ બેઝ પર માઇક્રોસોફ્ટનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરી શકે એ રીતે શિક્ષણ આપવામાં આવે છે.

ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન-humdekhengenews

જાણો આ પ્રોજેક્ટની શું છે ખાસિયત

આ નવતર શિક્ષણ પહેલ અંગે વાત કરતા ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશનના મેનેજર દેવયાની પટેલ જણાવે છે કે, ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશનનું માનવું છે કે શિક્ષાની ભેટ એ અક્ષય ભેટ છે, જે કદી નાશ પામતી નથી. આ મૂળમંત્રને સાર્થક કરતા અમારી સંસ્થાએ કમ્પ્યુટર બસની વ્યવસ્થા કરી છે, જે કમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રે પોતાનું કાર્ય કરે છે. આ ભારતની પ્રથમ બસ છે જેમાં 10kWની સોલર સિસ્ટમ સહિત 16 પેનલ , બેટરીઓ અને ઇનવર્ટર સાથેની સંપૂર્ણ સિસ્ટમ સેટ કરવામાં આવી છે. બસના બધા જ ઉપકરણો સૌર ઉર્જા દ્વારા સંચાલિત હોવાથી કોઈપણ સમયે કે સ્થળે વિદ્યુત ઉપકરણોની જરૂરિયાત વિના શિક્ષણ આપી શકાય છે. બસ પરની 16 સોલાર પેનલ મિકેનિકલ સિસ્ટમની મદદથી ત્રાંસી સેટ કરવામાં આવી છે, જેથી બસ ઉભી રહે પછી રિમોટ અને હાઇડ્રોલિક પમ્પની મદદથી પેનલને ખોલીને મહત્તમ સૂર્યપ્રકાશનો લાભ લઇ શકાય છે. આ સૌર ઉર્જાથી બસમાં લગભગ 6 કલાક નો અભ્યાસ કરાવી શકાય છે. સેલ્ફ સસ્ટેનેબલ એવી આ કમ્પ્યૂટર બસ પર્યાવરણ માટે પણ લાભદાયી છે.

ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન-humdekhengenews

500 થી વધુ વિદ્યાર્થીઓને અપાયો કમ્પ્યુટર અભ્યાસ

કમ્પ્યુટર બસ દ્વારા શિક્ષણ કેવી રીતે આપવામાં આવે છે અને કેટલા વિદ્યાર્થીઓને આ પહેલ અંતર્ગત ફાયદો મળ્યો છે એ વિશે વાત કરતાં દેવયાની પટેલ જણાવે છે કે, અત્યાર સુધી બસમાં તેમજ બસને શાળામાં લઇ જઈને લગભગ 500 થી વધુ વિદ્યાર્થીઓને ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પૂરો પાડવામાં આવ્યો છે. અમદાવાદના વિસ્તારોમાં પ્રોજેકટ સ્થળ હોય ત્યાં બસ લઈ જઈને દરરોજ સવારે 9 થી સાંજના 6 સુધી એકથી વધુ વિસ્તારના બાળકોને તેમના સ્થળે જઈને શિક્ષણ આપવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કમ્પ્યુટર બસ લગભગ 3 મહિનાના સમયગાળા સુધી સ્ટાફ સહિત જે તે સ્થળ પર જ રહે છે. કમ્પ્યુટર બસમાં સંસ્થાના ટ્રેઈનર એવા ઉદયભાઈ અને મુકેશભાઈ કમ્પ્યુટર ટ્રેનિંગ આપતા હોય છે.
એક સ્થળે બેચ પુરી થાય બાદ બસ અન્ય સ્થળે પહોંચે છે અને બીજી બેચ શરૂ કરવામાં આવે છે.

ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન-humdekhengenews

ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન દ્વારા કરતા અન્ય કાર્યો

એજ્યુકેશન ઓન વહીલ્સ ઉપરાંત, ક્રાફટ સિલીકોન ફાઉન્ડેશન દ્વારા ‘શિક્ષામિત્ર’, ‘ગુલાબી ઠંડી’, ‘હર ઘર આનંદ’ જેવા વિવિધ પ્રોજેકટ થકી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે આગળ વધવામાં મદદ કરવામાં આવે છે. ‘હર ઘર આનંદ’ પ્રોજેકટ અંતર્ગત આ વર્ષે દેશભરમાં ઉજવાઈ રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ હેઠળ ગુજરાત, ગુજરાત-રાજસ્થાન બોર્ડર અને રાજસ્થાનની મળીને કુલ 75 થી વધુ શાળાઓમાં વિવિધ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.’શિક્ષામિત્ર’ પ્રોજેક્ટ અંતર્ગત યુવા,વિદ્વાન,અભ્યાસુ, કોઈપણ ઉંમરના વ્યક્તિઓ સંસ્થા સાથે જોડાઈને પોતાના રસના વિષય અનુસાર જરૂરુયાત વાળા બાળકોના અભ્યાસ માટે પોતાના સમયનું દાન કરે છે. ‘ગુલાબી ઠંડી’ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદની બધી જ સિગ્નલ બસોમાં તેમજ અરવલ્લીના આદિવાસી વિસ્તારોની અમુક શાળાઓમાં સંસ્થા દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન-humdekhengenews

આવનારા 10 વર્ષમાં 1 કરોડ બાળકોને શિક્ષિત કરવાનું લક્ષ્યાંક

ભવિષ્યમાં વધુમાં વધુ બાળકોને શૈક્ષણિક તેમજ અન્ય ક્ષેત્રે મદદરૂપ થઇ શકાય તેવો સંસ્થાનો આશય છે. આ શુભકાર્યથી પ્રભાવિત થઈને હવે અન્ય કંપનીઓ પણ પોતાના CSR કાર્યો માટે ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશનના સંચાલન હેઠળ આ પ્રોજેક્ટમાં જોડાઇ રહી છે. ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. પ્રિયાબેન બુદ્ધભટ્ટી અને ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન ઇન્ડિયાના સી.ઇ.ઓ. જીતાબેન બુદ્ધભટ્ટી પોતાની સંસ્થા દ્વારા આવી અન્ય શૈક્ષણિક બસો અને શિક્ષમિત્રોની મદદથી આવનારા 10 વર્ષમાં 1 કરોડ બાળકોને શિક્ષિત કરવાનું લક્ષ્યાંક સેવે છે.

આ પણ વાંચો : ડિજિટલ ઈન્ડિયાની ગુલબાંગો વચ્ચે STની ટ્રેકિંગ સિસ્ટમ ઠપ, મુસાફરોને રાત્રી મુસાફરી દરમિયાન હાલાકી

Back to top button