પત્નીની હત્યા કરી પતિનો ઝેર પી આપઘાત
- અમરેલીના માણેકપરાનો ચકચારી બનાવ
- ઘરકંકાસમાં રાંઢીયા ગામના દંપતીએ જીવ ખોયા
- પતિએ છરી મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી
- હત્યા કર્યા બાદ પતિ ભાગી જસદણ પહોંચ્યો અને ઝેર પી લીધું
અમરેલીના તાલુકાના રાંઢીયા ગામના એક મજુર દંપતી વચ્ચેના ઘર કંકાસમાં ઉગ્ર બનેલા પતિએ મજુરીકામે ગયેલ પત્નીની અમરેલીના માણેકપરા વિસ્તારમાં છરીના ઘા મારી નિર્મમ હત્યા નીપજાવી પતિ નાસી છુટેલ હતો. નાસી છુટેલા પતિએ જસદણ ગામે જઇ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ઘર કંકાસનો કરૂણ અંજામ આવેલ હતો. માતા-પિતાની અણધારી વિદાયથી ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ હતી. પતિના હાથે પત્નીની નિર્મમ હત્યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ હતી. ઘટના અંગે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવેલ છે.
મજૂરી કામ માટે ગયા હોય ત્યાં થઈ હતી માથાકૂટ
મળતી માહિતી મુજબ, અમરેલીના રાંઢીયા ગામે રહેતી અને માણેકપરા વિસ્તારમાં મજુરી કામ માટે આવેલ અનિષાબેન સલીમભાઇ મકવાણા (ઉ.વ.37) નામની મહિલાની તેના પતિ સલીમભાઇ અનવરભાઇ મકવાણા દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી. તેના પતિ દ્વારા જ છરીના ઘા વડે હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘર કંકાસને કારણે ઘટના બની હોવાનું પોલીસ પાસેથી પ્રાથમીક ધોરણે માહિતી મળી રહી છે.
બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
આ ઘટના બાદ મહિલાના પતિ સલીમ અનવર મકવાણા (ઉ.વ.38)એ પણ જસદણ વિસ્તારમાં પહોંચીને ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેનું પણ મોત નીપજયુ હતુ. આ બનાવમા ઘર કંકાસનું કરૂણ પરિણામ આવ્યું હોવાનું જાણવા મળી રહયુ છે. આ મહિલાની હત્યા થતાં તેના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હતી તો આ બંનેને સંતાનોમાં બે દિકરી અને એક દિકરો છે. તેવામાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી બેસતા નોંધારા બન્યા હતા. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનું કારણ બની છે.