જામનગરમાં સજાતીય સંબંધની ડેટીંગ એપથી પરિચય કેળવી યુવકને મળવા બોલાવી લૂંટી લેવાયો
- છ શખસોએ પરિણીત યુવકને ઢોર માર માર્યો
- રોકડ ઝુંટવી ઓનલાઈન પેમેન્ટ કરાવી લીધું
- સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ
જામનગર શહેરમાં ચાઇનીઝ ડેટીંગ એપ દ્વારા સંપર્કમાં આવેલા યુવાનને મળવા માટે બોલાવી જોલી બંગલા પાસે રાત્રિના સમયે છ શખ્સોએ યુવાન પાસે રહેલી રોકડ ઝૂંટવી લઇ તેના મોબાઇલ ફોન પરથી રૂા.37,000 હજારનું બળજબરીપૂર્વક ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે છ શખ્સોની શોધખોળ આરંભી હતી.
રીક્ષામાં આવ્યા હતા આરોપીઓ
મળતી માહિતી મુજબ, જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા પરિણીત દેવેન્દ્રભાઈ વશરામભાઇ નકુમ (ઉ.વ.31) નામના યુવાને તેના મોબાઇલમાં Blued Live & Male Dating એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં આ એપ્લીકેશન દ્વારા વિશાલ પટેલ નામની આઈડી પરથી દેવેન્દ્ર સાથે મેસેજમાં વાતચીત કર્યા બાદ જામનગર શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પર મળવા બોલાવ્યો હતો.ત્યાં દેવેન્દ્રને મળવા આવેલા અજાણ્યો શખ્સ બન્ને પોત-પોતાની બાઈક પર જોલી બંગલા પાસે સમય ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી પસાર થતા હતાં ત્યારે એક રીક્ષામાં બેસીને આવેલા ચાલક સહિતના પાંચ શખ્સોએ દેવેન્દ્રનું બાઈક ઉભુ રખાવ્યું હતું તેને મળેવા આવેલા વિશાલ પટેલ નામના આઈડી ધારક તથા રીક્ષામાં આવેલા પાંચ સહિતના છ શખ્સોએ એકસંપ કરી દેવેન્દ્રને અંદર શેરીમાં ખેંચીને લઇ ગયા હતાં. જ્યાં દેવેન્દ્ર પાસે રૂપિયા અને દાગીનાની માંગણી કરી હતી.
ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં દાખલ કરાયો
પરંતુ દેવેન્દ્રએ આનાકાની કરતા છ પૈકીના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે દેવેન્દ્રને લમધાર્યો હતો. તેમજ બાઈક સવાર વિશાલ પટેલ આઈડી ધારક સહિતના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી દેવેન્દ્ર પાસે રહેલી રૂા.3,500 ની રોકડની લૂંટ ચલાવી હતી તેમજ તેના મોબાઇલ પરથી રૂા.37,000 નું બળજબરીપૂર્વક ઓનલાઈન ગુગલ પે દ્વારા ટ્રાન્ઝેકશન કરાવી કુલ રૂા.40,500 પડાવી લીધા હતાં. હુમલો અને લૂંટનો ભોગ બનેલા દેવેન્દ્રને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.