એજ્યુકેશનગુજરાત

ભાજપના નેતાની શાળા હોવાના કારણે આત્મહત્યાના 10 દિવસ પછી પણ કોઈ ગુનેગાર સામે કાર્યવાહી થઈ નથી: ઈસુદાન ગઢવી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ભાજપના નેતાની સ્કૂલમાં એક દીકરી સાથે દુ:ખદ અકસ્માત થાય છે. અને તે પછી તે દીકરીનો અવાજ સાંભળવાને બદલે બધાએ તેનો અવાજ દબાવી દીધો જેના કારણે આખરે દીકરીએ આત્મહત્યા કરી લીધી. આપઘાતના 10 દિવસ બાદ પણ હજુ સુધી એકપણ ગુનેગારને જેલમાં પૂરવામાં આવ્યા નથી. જેને લઈને આપના નેતા ઇસુદાન ગઢવીએ રોષ સાથે તીખી પ્રતિક્રિયા આપી છે.


આ અંગે ઇસુદાને જણાવ્યું હતું કે, એક તરફ ગુજરાત સરકાર વારંવાર આવી વાતો કરે છે કે, ગુજરાતમાં તમામ દીકરીઓ સુરક્ષિત છે અને બીજી તરફ શાળામાં અભ્યાસ કરતી એક બાળકીને શાળાના શિક્ષક અને કેટલાક છોકરાઓ દ્વારા છેડતી કરવામાં આવી હતી અને તેનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ દર્દનાક ઘટના અંગે યુવતીએ પોલીસ થી માંડીને મામલતદાર સુધી બધુ જ જણાવ્યું હતું, પરંતુ કદાચ ભાજપના નેતાની શાળા હોવાના કારણે વહીવટી તંત્રએ બાળકીની આ બાબત પર ધ્યાન આપ્યું ન હતું અને અંતે યુવતીએ નિરાશામાં આત્મહત્યા કરી લીધી હતી. 28 જૂન 2021 ના ​​રોજ, છોકરી ને શાળામાં તેના કપડાં ફાડીને છેડતી કરવામાં આવી અને સતત એક વર્ષ સુધી, છોકરી વારંવાર આ ઘટના વિશે પ્રશાસનને કહેતી રહી.

આપણે બધા જાણીએ છીએ કે, પીડિતાએ સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે આ અંગે શાળાના ટ્રસ્ટીઓને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓએ કોર્ટ અને પોલીસને સંભાળી લેવાની વાત કરી હતી. જેના કારણે આજે એક પુત્રીએ આપઘાત કરવો પડ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે તમામ ટ્રસ્ટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો તે ચાહતા તો તે દીકરીને ન્યાય અપાવી શકતા હતા પરંતુ તેમને દીકરીનો સાથ આપવાની જગ્યાએ ગુનેગારોનો સાથ આપ્યો છે.

આજે પીડિતાના પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે, અમે તે પરિવારને કહેવા માંગીએ છીએ કે તમારી દીકરીને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી રહેશે અને તમારે કોઈ ખોટું પગલું ભરવાનું નથી કારણ કે અમે બધા તમારી દીકરીને ન્યાય અપાવા તમારી સાથે છીએ.

ઇસુદાને વધુમાં જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ કલંકિત ઘટના પાછળ જે લોકો છે; શિક્ષકોથી માંડીને પોલીસ પ્રશાસન અને મામલતદાર સુધીના તમામ લોકો સામે કડક કાર્યવાહી કરે અને એક દાખલો બેસાડે કે જો ગુજરાતની દીકરીઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ઇસુદાને માંગણી કરી છે કે,અમે ઇચ્છીએ છીએ કે ગુજરાત સરકાર આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે જેથી પીડિતાને વહેલી તકે ન્યાય મળે.

Back to top button