- જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં જીત મેળવી
- ટાઇટન્સે 13.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો
- ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર વન પર યથાવત
IPLની મહત્વની મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું હતું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 5 મે (શુક્રવાર)ના રોજ રમાયેલી મેચમાં રાજસ્થાનની ટીમ 118 રન બનાવી શકી હતી. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 13.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગુજરાતની જીતમાં સ્પિન બોલર રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા.
10માંથી 7 મેચ જીતી લેતી ગુજરાત
ગુજરાત ટાઇટન્સની 10 મેચમાં આ સાતમી જીત હતી અને તે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર યથાવત છે. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો, તેણે 10માંથી પાંચ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર યથાવત છે. લખનૌ સુપર જાયન્ટ્સ બીજા અને એમએસ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા નંબરે છે.
પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી થઈ
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને ઇમ્પેક્ટ પ્લેયર શુભમન ગિલ અને વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ ધમાકો આપ્યો હતો. બંનેએ સાથે મળીને 9.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. ગિલને યુઝવેન્દ્ર ચહલે આઉટ કર્યો હતો. ગિલે 35 બોલમાં 36 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા સામેલ હતા. ગિલ આઉટ થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સાહાએ સાથે મળીને ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. રિદ્ધિમાન સાહાએ 34 બોલનો સામનો કરીને અણનમ 41 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા સામેલ હતા. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે માત્ર 15 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. હાર્દિકે પોતાની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એટલી જ છગ્ગા ફટકારી હતી.