કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

પોરબંદરના રાણાવાવમાં સગી જનેતાની હત્યા નિપજાવતો કપાતર પુત્ર

  • સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન વાડોલીયાની ધોકા મારી હત્યા
  • પુત્ર રાજુના ત્રાસથી અગાઉ પત્ની અને માતા ઘર છોડી ચાલ્યા ગયા હતા
  • દીકરાની ચિંતામાં માતા પરત આવતા આવકારને બદલે મોત મળ્યું
  • જામનગરમાં લક્ષ્મીબેને દમ તોડી દેતા પોલીસે રાજુની અટકાયત કરી

પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકા મથકે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા કપાતર પુત્રએ માતા પર લાકડાના ધોકા વડે હુમલો કરી માથાના ભાગે જીવલેણ પ્રહાર કરી હત્યા નીપજાવી દીધી છે. ગંભીર હાલતમાં જામનગર ખસેડાયેલ જનેતાનું મૃત્યુ નીપજતા કપાતર પુત્ર સામે ફિટકારની લાગણી વર્ષી રહી છે.

જામનગર ખાતે વૃધ્ધાનું મોત નીપજ્યું

મળતી માહિતી મુજબ, રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગાંગાભાઈ વાડોલીયાએ પોતાના વૃદ્ધ માતા લક્ષ્મીબેન પર બે દિવસ પૂર્વે લાકડાના ધોકાથી હુમલો કરી માથાના અને હાથપગના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. દરમિયાન તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર હાલતમાં જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

રાજુની પત્ની 12 વર્ષ પહેલાં રીસામણે ચાલી ગઈ હતી

માતાએ બે દાયકા પૂર્વે આરોપી પુત્ર રાજુના લગ્ન આદીત્યાણા ગામના મંજુબેન સાથે કરાવ્યા હતા. સંસારી માયાજાળમાં મંજુબેનને બે દીકરા અને બે દીકરીઓ એમ ચાર સંતાન થયા હતા. જેમાં સૌથી મોટી પુત્રી આશાના લગ્ન થઇ ગયા છે. જયારે પાયલ ઉ.વ ૧૭, રવિ ઉ.વ ૧૬ અને સૌથી નાનો પુત્ર કિશન ઉ.વ ૧૪ તેણીની સાથે રહે છે. ચારેય સંતાનોના જન્મ બાદ આરોપી મંજુબેનને ત્રાસ આપવા લાગતા તેણીની બાર વર્ષ પૂર્વે પોતાના પિયર આદિત્યાણા ગામે ચાલી ગઈ હતી ત્યાં માતા-પિતાના ઘરની બાજુમાં રહી મજુરી કામ કરતી હતી. પુત્રના ત્રાસથી તેની માતા લક્ષ્મીબેન પણ મંજુબેનની સાથે આદિત્યાણા આવી ગયા હતા.

થોડા સમય અગાઉ જ પરત આવ્યા હતા લક્ષ્મીબેન

એકલો પુત્ર કેવી રીતે અને કેવી દશામાં જીવતો હશે ? કેવી રીતે રોટલા બનાવી ખાતો હશે ? એવી ચિંતા થતા જનેતા આદિત્યાણાથી રાણાવાવ પુત્રના ઘરે આવી ગયા હતા પરંતુ કપાતર પુત્ર આવકારવાને બદલે સમયાંતરે માતા સાથે ઝઘડા કરતો રહેતો હતો. ગત તા. ૪ના રોજ માતા પર લાકડાના ધોકાથી હુમલો કરી આરોપી પુત્ર રાજુએ ગમ્ભીર ઈજાઓ પહોચાડી હતી. દરમિયાન જનેતા લક્ષ્મીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પુત્રના હાથે માતાની હત્યા થઇ ગઈ હતી. રાણાવાવ પોલીસે રાજુની પત્નીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી શરુ કરી છે.

Back to top button