ગુજરાત

કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા જતા ડીસામાં જીવદયા પ્રેમી પર હુમલો

Text To Speech

પાલનપુર: ડીસાના રાજમંદિર સર્કલ નજીક ગુરુવારે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા ગયેલા એક જીવદયા પ્રેમી પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે હુમલાના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી છે.

મહિલાઓ અને શખ્સોએ આવી હુમલો કરી ઈજા પહોંચાડી
ડીસાના આખોલ ચાર રસ્તા તરફથી અબોલ પશુઓ ભરીને કતલખાને જતાં પિકઅપ ડાલાનો ભરતભાઇ માળી નામના જીવદયા પ્રેમી દ્વારા પીછો કરવામાં આવી રહ્યો હતો. જીવદયા પ્રેમી ભરતભાઇ માળી દ્વારા પિકઅપ ડાલાનો પીછો કરવામાં આવતો હોવાની જાણ ટ્રકના ચાલકને થતાં ટ્રકના ચાલકે ડીસાના કેટલાક અસમાજિક તત્વોને તેની જાણ કરી હતી. દરમિયાન આ ટ્રક જ્યારે રાજમંદિર સર્કલ નજીક પહોંચી ત્યારે જીવદયા પ્રેમીએ પિકઅપ ડાલાને અટકાવ્યું હતું. આ સમયમાં પિકઅપ ડાલાના ચાલકે કરેલા ફોનને લઈ કેટલીક મહિલાઓ અને લઘુમતી સમાજના લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને જીવદયા પ્રેમી ભરત માળી પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ જીવદયા પ્રેમીઓ પણ એકત્રિત થઈ ગયા હતા. હુમલો કરવા આવેલા લોકોનો સામનો કરતાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા ઇજાગ્રસ્ત જીવદયા પ્રેમી ભરતભાઇ માળીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી
આ ઘટના બાદ પોલીસે હુમલો કરવા આવેલા શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.. આ ઘટનાના પગલે રાજમંદિર સર્કલ નજીક માહોલ પણ ગરમ થઈ ગયો હતો.

Back to top button