બનાસકાંઠા : બાલારામ નદીના પટમાં 100 મીટર લાંબા ચેકડેમની કામગીરી શરૂ
- ચેકડેમથી પાલનપુરના 10 ગામોના પાણીના તળ ઊંચા આવશે
પાલનપુર : પાલનપુર તાલુકાના યાત્રાધામ બાલારામ નદીના પટમાં 100 મીટર લાંબો ચેકડેમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે આજુબાજુના 10 જેટલા ગામોના પાણીના તળ ઊંચા આવશે.જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જેના પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટર અને ધારાસભ્ય સહિતના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મલાણા પંથક આસપાસના ગામોમાં પીવાના પાણીના તળ ઉંડા જતા આ વિસ્તાર 100 ટકા ખેતી અને પશુપાલન આધારિત હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
જેથી અગાઉ મલાણા ગામમાં આવેલા તળાવમાં પાણી નાંખવા તેમજ ચેકડેમ બનાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ હતુ.
જેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા બાલારામ નદીના પટમાં ચેકડેમ બનાવવાની કામગીરીનો અંદાજીત તા.16 એપ્રિલ 2023 આસપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ ચેકડેમ 100 મીટર લાંબો તૈયાર થશે, જેના કારણે આ ચેકડેમમાં ચોમાસાની સિઝનમાં બાલારામ નદીમાં આવતા પાણીનો સંગ્રહ આ ચેકડેમમાં કરવામાં આવશે.
જેથી આજુબાજુના 10 ઉપરાંતના ગામોના પાણીના તળ ઊંચા આવશે. આ કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જેથી ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટર વરુણ બરનવાલ તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહીતના અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : હત્યાના આરોપીની કોર્ટ પરિસરની નજીક 30 સેકન્ડમાં છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા