- મુસાફરો પાસેથી અનેક ગણી વધુ રકમ વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદો
- મુસાફરી ભાડાની ગણતરી કરતું ફેર મીટર ફરજિયાત બનાવવું જોઈએ
- એપ્લિકેશન બેઝ કંપનીઓને ઉઘાડી લૂંટ માટે પરવાનો આપ્યો
ગુજરાતમાં ઓલા, ઉબેર, મેરૂ સહિતની કંપનીઓ ટેક્સી સેવા કે કેબ સેવાના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે, ગ્રાહકો પાસેથી મનફાવે તેવા ભાડાં વસૂલ કરવામાં આવે છે. રાજ્ય સરકારે એપ્લિકેશન બેઝ ટેક્સી સેવામાં હજુ સુધી ભાડું જ નક્કી કર્યું નથી, જેના કારણે મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં IPSને વિવાદમાં લાવનારા આરોપીની મુશ્કેલીઓ વધી
એપ્લિકેશન બેઝ કંપનીઓને ઉઘાડી લૂંટ માટે પરવાનો આપ્યો
વેકેશન, લગ્ન સિઝન, રજાના દિવસો કે રાત્રિના સમયે મુસાફરો પાસેથી અનેક ગણી વધુ રકમ વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે, સરકારે ટેક્સી ભાડું નક્કી નહિ કરીને આ એપ્લિકેશન બેઝ કંપનીઓને ઉઘાડી લૂંટ માટે પરવાનો આપ્યો હોય તેવી સ્થિતિ હોવાનું જાણકારો કહે છે. સરકારે ભાડું નક્કી કરતું નોટિફિકેશન જલદી બહાર પાડવું જોઈએ તેવી માગ ઊઠી છે. એપ્લિકેશન બેઝ ટેક્સી સેવાને લઈ આરટીઓ સમક્ષ આરટીઆઈ કરવામાં આવી હતી. જેના જવાબમાં કહેવાયું છે કે, ભાડું નક્કી કરવાની સત્તા એસટીએ બોર્ડની છે. હજુ સુધી ભાડું નક્કી કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: વડોદરા: MSUમાં નોકરી કૌભાંડમાં લોકોના લાખો રૂપિયા ગયા
મુસાફરોના હિત માટે રાજ્ય સરકારે ભાડું નક્કી કરતું નોટિફિકેશન જાહેર કરવું જોઈએ
મુસાફરોના હિત માટે રાજ્ય સરકારે ભાડું નક્કી કરતું નોટિફિકેશન જાહેર કરવું જોઈએ તેવી માગ પણ ઊઠી છે. રાજ્ય સરકારે મે 2019માં રૂલ્સ બનાવ્યા હતા, જે મુજબ ટેક્સી ભાડું મિનિમમ ભાડાના ચાર ગણાથી વધુ ન હોવું જોઈએ પણ સરકારે હજુ સુધી ભાડું જ નક્કી કર્યું નથી. અંતર પ્રમાણે ભાડું વસૂલાય તે રીતે ટેક્સી સેવા ચાલવી જોઈએ. આ ઉપરાંત ટેક્સીમાં અસામાન્ય સંજોગોમાં મહિલાઓ કંટ્રોલ રૂમને જાણ કરી શકે તે માટે પેનિક બટન હોવું ફરજિયાત છે, જે હોતું નથી. ટેક્સીમાં જીપીએસ, જીપીઆરએસ ફેસેલિટીથી ટ્રેકિંગ થાય તેમ ડિવાઈસ હોવી જોઈએ, મુસાફરી ભાડાની ગણતરી કરતું ફેર મીટર ફરજિયાત બનાવવું જોઈએ અને અન્ય વધારાના ચાર્જ પર પાબંદી મૂકવી જરૂરી છે.