બનાસકાંઠા : ડીસા માર્કેટ યાર્ડમાં 14 દિવસમાં 4.66 લાખ તમાકુ બોરીની થઈ આવક
- તમાકુનો ભાવ 20 કિલોનો એવરેજ રૂપિયા 1500 આસપાસ રહ્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના બીજા નંબરનું સૌથી મોટુ માર્કેટયાર્ડ ગણાતું ડીસા એપીએમસી ખાતે તમાકુની હરાજી જ્યારથી શરૂ કરવામાં આવી ત્યારથી રોજે રોજ તમાકુની બોરીઓની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 14 દિવસમાં કુલ 4,66,947 બોરીની આવક નોંધાઈ હતી. જ્યારે તમાકુના 20 કિલોના સરેરાશ ભાવ રૂપિયા 1500 આસપાસ બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
ડીસા તાલુકામાં બટાટાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે મગફળીનો પાક પણ ખેડૂતો હવે લેતા થયા છે. જ્યારે તમાકુનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થવા પામ્યું છે. જેથી તેનું ઉત્પાદન પણ વધ્યું હતું. આ તમાકુ પકાવતા ખેડૂતોને સ્થાનિક એપીએમસી ડીસામાં ઘર આંગણે તેમના ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહે તે માટે ગત તારીખ 3 એપ્રિલ ’23 ના રોજ ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેર હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં તમાકુનો ભાવ ઓછો મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરીને તમાકુ ની હરાજી બંધ કરાવી હતી. પરંતુ ત્યારબાદ ફરીથી શરૂ થયેલી તમાકુની હરાજીમાં છેલ્લા 14 દિવસમાં તમાકુની કુલ 4,66,947 જેટલી બોરિની આવક થઈ હતી. જ્યારે ખેડૂતોને તમાકુના 20 કિલોગ્રામ ના સરેરાશ ભાવ રૂપિયા 1500 આસપાસ મળતા તમાકુ પકાવતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.
ક્યારે, કેટલી બોરીની આવક
- તા. 12 એપ્રિલ 50,000
- તા. 13 એપ્રિલ 30,000
- તા. 14 એપ્રિલ 50,000
- તા. 15 એપ્રિલ 40000
- તા. 18 એપ્રિલ 30,000
- તા. 19 એપ્રિલ 42,000
- તા. 20 એપ્રિલ 38,000
- તા. 21 એપ્રિલ 35,000
- તા. 24 એપ્રિલ 35000
- તા. 25 એપ્રિલ 35000
- તા. 26 એપ્રિલ 30000
- તા. 27 એપ્રિલ 27000
- તા. 28 એપ્રિલ 10,867
- તા. 29 એપ્રિલ 14080
કુલ 4,66,947
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરના કલાકાર મગન લુહાર ની ફિલ્મ ‘શુભયાત્રા’ રિલીઝ થઈ