અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે SEBIએ છ મહિનાનો સમય માંગ્યો
સેબીએ અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિસર્ચના આરોપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ છ મહિનાનો સમય માંગ્યો છે પરંતુ અરજદારો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે એક અરજદારે સેબીને છ મહિનાનો વધુ સમય આપવાની માંગનો વિરોધ કર્યો છે. અરજદારનું કહેવું છે કે પહેલા રેગ્યુલેટરને તપાસ માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે.
અરજદાર વિશાલ તિવારીએ 2 મેના રોજ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ સમક્ષ અરજી દાખલ કરી હતી, જેમાં તેણે સેબીને તપાસ માટે વધુ સમય આપવાનો વિરોધ કરતા કહ્યું હતું કે તે તપાસને લંબાવશે તેમજ તપાસમાં વિલંબ કરશે. ગયા અઠવાડિયે શેરબજારના નિયમનકાર સેબીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી છે, જેમાં સેબીએ અદાણી ગ્રૂપ સામેના હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના આરોપોની તપાસ કરવા માટે વધુ છ મહિનાનો સમય માંગ્યો છે.
અગાઉ 2 માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટે સેબીને આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં તેને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે સેબી તપાસ પૂર્ણ કરવા માટે કોર્ટ પાસે વધુ સમય માંગી રહી છે. સેબીએ કોર્ટને જણાવ્યું કે હિંડનબર્ગના આરોપો અનુસાર આવા 12 શંકાસ્પદ વ્યવહારો છે, જેની તપાસ માટે 15 મહિનાનો સમય લાગશે. કારણકે આ ટ્રાન્ઝેક્શન ખૂબ જટિલ છે સાથે-સાથે તેમાં ઘણા પેટા વ્યવહારો પણ હાજર છે. સેબીના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન કેટલીક સ્થાનિક અને વિદેશી બેંકોના નાણાકીય વ્યવહારોના નિવેદનોની જરૂર પડશે. 10 વર્ષથી જૂના બેંક સ્ટેટમેન્ટની પણ જરૂર પડશે, જે મેળવવામાં સમય લાગશે અને તે પડકારજનક પણ છે. સેબીનું કહેવું છે કે તે છ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
અદાણી કેસ સામે આવ્યા બાદ સેબીના નિયમોને મજબૂત કરવા અંગેની ભલામણો આપવા માટે 2 માર્ચે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશ એએમ સપ્રેની અધ્યક્ષતામાં નિષ્ણાતની રચના પણ કરી હતી. સેબીએ કોર્ટને જણાવ્યું કે તેણે અત્યાર સુધીની તપાસ વચગાળાની સ્થિતિ સમિતિ સાથે શેર કરી છે.
તમને જણાવી દઈએ કે અદાણી સમૂહને લઈને હિંડનબર્ગના ખુલાસા બાદ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વિશાલ તિવારીએ અરજી દાખલ કરી હતી. જેમાં હિંડનબર્ગના આરોપોની તપાસની માંગ કરવામાં આવી હતી. બીજી અરજી કોંગ્રેસના નેતા જયા ઠાકુરે અને ત્રીજી અરજી એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી.
સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી, જેમાં સેબીએ અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ માટે વધુ છ મહિનાનો સમય માંગ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં સેબીને અદાણી ગ્રુપ સાથે સંબંધિત દસ્તાવેજો એકત્ર કરવા અને તેને જપ્ત કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે.