બનાસકાંઠા : જગાણા પાસેથી સબસીડી યુક્ત યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 300 કટ્ટા ખાતર કર્યું કબજે
- રૂ.6.57 લાખ સહીતના મુદ્દામાલ સાથે રૂ.13.67 લાખનો મુદ્દામાલ જપ્ત
પાલનપુર : પાલનપુર તાલુકાના જગાણા નજીક આવેલા એક ખાનગી ગોડાઉનમાંથી સરકારની સબસીડીવાળુ કેટલાક શખ્સો પોતાના આર્થિક ફાયદા માટે ખેડૂતોને આપવાના બદલે ઔદ્યોગિક એકમ સુધી પહોંચાડતા હોવાનું કૌંભાંડ ઝડપાયું છે. જેમાં પોલીસે એક શખ્સને ઝડપી લઇ પાંચ શખ્સો સામે ગુનો નોંધી કુલ રૂ.13.67 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસ મથકના મિલનદાસ, મુકેશભાઇ સહીતનો સ્ટાફ પાલનપુર તાલુકા વિસ્તારમાં પ્રોહિબીશન, જુગાર તેમજ મિલ્કત સબંધી ગુનાઓ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા. તે સમયે પાલનપુર તાલુકાના જગાણા ચોકડીથી આગળ વેરાઇ માતાના મંદિરની બાજુમાં એક ગોડાઉનમાં કેટલાક શખ્સો ભેગા મળી સરકારના સબસીડી યુક્ત યુરીયા ખાતરને ખેડૂતોને આપવાને બદલે ઔદ્યોગિક એકમમાં મોટી રકમે વેચાણ કરી મોટો આર્થિક નફો મેળવવા માટે સબસીડી યુક્ત ખાતર ઔદ્યોગિક એકમ સુધી પહોંચતુ કરવા સારૂ આયોજનબધ્ધ ગુનાહિત કાવતરૂ રચવામાં આવ્યુ હતુ.
જેમાં સરકાર દ્વારા અધિકૃત કરાયેલા જુનાડીસા ખાતેના જય ગોગા એગ્રોના અધિકૃત લાયસન્સ ધારક પાસેથી સરકારી સબસિડી યુક્ત ખાતર ઔદ્યોગિક એકમમાં વેચાણ કરવા આશયથી જીજે.18.એક્સ.9528માં બીલ વગરનો મુદ્દામાલ (ખાતર) ભરાવી પાલનપુર જગાણા નજીક આવેલ એક ખાનગી ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યો હતો. જેથી પોલીસે ખેતીવાડીના અધિકારીઓને સાથે રાખી રેડ કરી એક શખ્સને ઝડપી લીધો હતો. ટ્રકમાંથી ઉતારેલ 300 કટ્ટા કિંમત રૂ.6,57,670.20 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલા ટ્રક સહીત કુલ મુદ્દામાલ અને એક મોબાઇલ સહીત રૂ.13,67,670.20નો મુદ્દામાલ કબજે કરીhti. આ કાર્યવાહી દરમિયાન કાનજીભાઇ દઝાભાઇ ચૌધરી ઝડપાઇ ગયો હતો.જેથી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.
આ પણ વાંચો : GSEB : ગુજરાત બોર્ડ આગામી સપ્તાહ સુધીમાં 10માનું પરિણામ જાહેર કરશે