કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોને પાકમાં ખાસું નુકસાન થયું છે બાગાયતી પાક હોય કે પછી અન્ય પાક, ખેડૂતને ક્યાંક ઊભા પાક કે પછી માર્કેટયાર્ડમાં રાખેલ પાકમાં કમોસમી વરસાદને લીધે ખાસું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે ખેડૂતના પરિવારનું જીવન માત્ર ખેતી પર નિર્ભર છે તેવા ખેડૂત પરિવારની હાલત કફોડી બની છે. ખેડૂતને સૌથી વધુ નુકસાન છેલ્લા ત્રણ માસમાં કમોસમી વરસાદને લીધે થયું છે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગયા સપ્તાહમાં સરકારના મંત્રી કનુ દેસાઇ દ્વારા બાગાયતી પાકને લઈને કહેવામાં આવ્યું હતું કે બાગાયતી પાકના નુકસાનમાં વળતર આપવું કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારબાદ કૃષિમંત્રી રાઘવજીભાઈએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને થોડા સમયમાં વળતર ચૂકવી દેશે. પણ હજુ સુધી ખેડૂતોને નુકસાન પેટે કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : કમોસમી વરસાદની સતત આગાહી વચ્ચે ખેડૂત ચિંતિત, હજુ 4 દિવસની આગાહી !
બીજી તરફ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સતત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને હાલત વધુ કફોડી બની છે. કેટલાક ખેડૂતો સાથે આ બાબતે વાત કરતાં ઘણા ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. કેટલાક ખેડૂતોની પરિસ્થિતિ એવી થઈ હતી કે લગ્નની ખરીદી કરવા માટે પાક વેચવા માર્કેટ યાર્ડમાં આવ્યા હતા અને અચાનક વરસાદ ખાબકતાં પાકને ખાસું નુકસાન થયું હતું. એટલે રાજ્યમાં હાલ આવા ખેડૂતોની સંખ્યા ઘણી છે. ખેડૂતોની માંગણી એવી છે કે રાજ્યમાં વરસાદની સિઝન સિવાય જ્યારે પણ વરસાદ વરસતો હોય છે તો તે કમોસમી વરસાદ જ કહેવાય, સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારી ખેડૂતોને યોગ્ય વળતર સમયસર મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સર્વેમાં કે વળતર આપવામાં કોઈ વિલંબ થતો હોય તો સરકાર એક ચોક્કસ તારીખ આપે જેથી ખેડૂત પોતાના માટે ત્યા સુધી કોઈ અન્ય વ્યવસ્થા કરી પોતાના સામાજિક અને અન્ય કામો કરી શકે.