ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે

Text To Speech

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની જો વિગતે વાત કરીએ તો આજે રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે.

આજે અમરેલી-ભાવનગર અને સુરત-વલસાડ તેમજ નવસારીમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં આજે ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. જેને પગલે આજે સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.

જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ
આવતીકાલે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય આજથી રવિવાર સુધી અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.

વલસાડમાં વરસાદ
ગુરુવારે
મોડીરાત્રીના વલસાડના કેટલાક વિસ્તારમાં રાત્રીના સમયે વરસાદ શરૂ થયો હતો. વરસાદના હાલાર રોડ, તિથલ રોડ, એમજી રોડ, મોટા બજાર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રસ્ત લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

અમરેલી જિલ્લામાં મેઘમહેર
અમરેલી જિલ્લામાં સતત મેઘમહેર થઈ રહી છે. કુકાવાવ તાલુકામાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી મોટા ઉજળા ગામના પ્રવેશદ્વાર પાસે નદીની જેમ પાણી વહેતા થયા હતા. વરસાદી માહોલને લઈ અમરેલી જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ છે. ધારી, ચલાલામાં સારો વરસાદ વરસ્યો હતો. તો જાફરાબાદ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, બાલાની વાવ અને કાંથારિયા સહિતના ગામમાં વરસાદ વરસ્યો, તો વડીયા શહેર અને આસપાસના ગામોમાં પણ ગુરુવારે બપોર બાદ વરસાદ વરસ્યો હતો. મોરવાડા, બાટવા, દેવડી સહિતના ગામમાં વરસાદ વરસ્યો, રાજુલા પંથકમાં વરસાદી માહોલ રહ્યો, હિંડોરણા, કડીયાળી, છટડીયા સહિતના ગામોના ખેતરોમાં કાચું સોનું રુપી વરસાદ વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ધોરાજી ઉપરાંત જેતપુર અને ઉપલેટામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ સાથે બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગઢડાના ઢસા, પાટણા અને ભંડારીયા સહિતના ગામડાઓમાં ભારે પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઢસાના કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લાં 24 કલાકમાં 58 તાલુકામાં વરસાદના વધામણાં
છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, હવે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button