ગુજરાતટોપ ન્યૂઝવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજીહેલ્થ
21મી જૂન વિશ્વ યોગ દિવસે રાજ્યના 75 આઈકોનીક સ્થળોએ થશે ઉજવણી
આગામી 21મી જૂનના વિશ્વ યોગ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને પગલે યોગને સમગ્ર વિશ્વએ આવકાર્યું છે અને અન્ય દિવસોની જેમ તેની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતભરમાં તેની અનોખી ઉજવણી કરવા માટે થતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આ વખતે 75 આઈકોનીક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
આઝાદી કા અમૃત મહોત્સવ – સ્વતંત્રતાના 75 વર્ષ અંતર્ગત આ વર્ષની ઉજવણી થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. જેમા આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના 75 વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ 75 આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની મુખ્ય થીમ યોગ ફોર હ્યુમેનિટી ’માનવતા માટે યોગ’ રાખવામા આવેલી છે.આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવી આ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યુ છે. આ યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાવાનો છે. વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ 75 આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશેજેમા મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત 22 પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે.
મહાનગરો અને તાલુકા લેવલે ઐતિહાસિક સ્થળોએ ઉજવણી કરાશે
રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે. આ વર્ષે યોગને પ્રવાસન સાથે જોડીને રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું છે. રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. જિલ્લાદીઠ 3000 લોકો સહિત અંદાજે 99000 લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે. તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ 500 લોકો સહિત અંદાજે 1,25,500 લોકો ભાગ લેશે. ગામ દીઠ 25 લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. તેથી કુલ 4,55,650 લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જોડાશે. શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે. આ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીએ આ બેઠકમાં આપ્યું હતું.