કાઠિયાવાડીઓ આમ તો ખાવાના ખૂબ જ શોખીન હોય છે અને ખવડાવવામાં તો તેના કરતાં પણ વધુ શોખીન હોય છે અને એટલે જ અહીંના પાટનગર રાજકોટમાં લગભગ દરેક શેરીમાં એક તો ખાણીપીણીની દુકાન કે લારી હોય જ છે. પરંતુ અહિ ખાવાપીવાની સાથે આરોગ્યની પણ થોડીક ચિંતા કરવી જરૂરી છે કારણકે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજ ફેટ સ્પ્રેડ, કેસર શિખંડ અને શુદ્ધ ઘીના બે નમૂના મળી ચાર નમૂના તપાસ બાદ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.તેમજ 200 ગ્રામ કેક એન જોય આલમંડ કુકીઝનો નમૂનો રિપોર્ટમાં મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયો છે. શુદ્ધ ઘીના નામે ભેળસેળ મળી આવી છે. શુદ્ધ ઘીમાં વેજીટેબલ ફેટ અને કેસર શિખંડમાં સિન્થેટીક ફૂડ કલર મળી આવ્યો છે. આ ખાવાથી કોઇને પાચનતંત્ર તો કોઇને લીવર અને કિડનીની ગંભીર સમસ્યા થઈ શકે છે તેવું આરોગ્ય વિભાગનું કહેવું છે.
મનપાના ફૂડ વિભાગે ક્યાં – ક્યાંથી લીધા હતા નમૂના ? અને શેમાં હતી ભેળસેળ ?
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ શાખા દ્વારા 1. જલારામ ઘી ડેપો- વિનાયક નગર ઉદયનગર-1, મવડી મેઇન રોડ ખાતેથી બીરેન પિયુષભાઈ જોબનપુત્રા પાસેથી લેવાયેલ ખાદ્યચીજ શુદ્ધ ઘી (લૂઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.
2. જલીયાણ ઘી સેન્ટર- કોઠારિયા રોડ, દેવપરા શાકમાર્કેટ પાસેથી પરેશભાઈ રામણીકભાઈ કોટક પાસેથી પાસેથી લેવાયેલ શુદ્ધ ઘીનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.
3. ગણેશ ડેરી ફાર્મ, રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટ દુકાન નં.-1, નવલનગર, મવડી મેઇન રોડ ખાતેથી શૈલેષભાઈ માવજીભાઇ ટીલાળા પાસેથી લેવાયેલ કેસર શિખંડનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં કલરિંગ મેટર તરીકે સિન્થેટીક ફૂડ કલર ટાર્ટ્રાઝિનની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.
4. મરાસા હોસ્પિટાલિટી પ્રા. લી., ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ, લીમડા ચોક, શાસ્ત્રીમેદાન પાસેથી હિમાંશુકુમાર સત્યેન્દ્રસિંહ પાસેથી લેવાયેલ નેચરલ પ્રોફેશનલ ક્રિમીલિયસ મિક્સ્ડ ફેટ સ્પ્રેડનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં એસિડ વેલ્યૂની માત્રા ધારા ધોરણ કરતાં વધુ મળી આવતા સબસ્ટાન્ડર્ડ ફૂડ જાહેર થયો છે.
5. કેક એન જોય, શ્યામ કોમ્પ્લેક્ષ, દુકાન નં. 6, સ્વામિનારાયણ ચોક ખાતેથી મલય ઘનશ્યામભાઈ કોટક પાસેથી લેવાયેલ કેક એન જોઇ આલમંડનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ઉત્પાદન/પેકિંગ કર્યાની તારીખ દર્શાવેલ ન હોય નમૂનો મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયો છે.
આજે ડેરી પ્રોડક્ટની કરી હતી ચકાસણી
દરમિયાન આજે ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે 80 ફૂટ રોડ પર વાવડી મેઇન રોડ વિસ્તારમાં ખાણીપીણીની 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, દૂધની બનાવટ, ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વગેરેના 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ કાલાવડ રોડ પર હેવમોરમાંથી 700 ML પેકમાંથી સ્ટ્રોબેરી ફ્લેવર્ડ આઇસ્ક્રિમ, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં વાડીલાલમાંથી 700 ML પેકમાંથી બદામ કાર્નિવલ આઇસ્ક્રિમ અને કસ્તુરબા રોડ પર અમૂલમાંથી 750 ML પેકમાંથી કુકીઝ એન્ડ ક્રીમ આઇસ્ક્રિમનો નમૂનો લેવામાં આવ્યો છે.