મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બપોરે બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદની કેડી હોસ્પિટલમાં સર્જરી બાદ અનુજની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતાં અને સર્જરી કરવામાં આવ્યા બાદ બપોરે 2.45 વાગ્યે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત સ્થિર હોવાનું અને તેઓ ડોકટરોની ટીમના નિરીક્ષણ હેઠળ છે તેવું કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. પાર્થ પટેલ દ્વારા જારી કરાયેલ હેલ્થ બુલેટિનમાં જણાવાયું હતું. પણ હાલ મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને વધુ સારવાર અર્થે એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. હર્ષ સંઘવી, સી આર પાટીલ સહિતના નેતાઓ હાલ હોસ્પિટલ પહોંચ્યા છે.
આ પણ વાંચો : Gujarat : મુખ્યમંત્રીના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ તબિયત સ્થિર
રવિવારે બપોરના 2.30 વાગ્યાની આસપાસ અનુજને જમ્યા પછી મગજનો સ્ટ્રોક આવ્યો ત્યારે તે તેમના પિતા સાથે હતા. મુખ્યમંત્રી તેમના કાફલા વિના તરત જ તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા. મુખ્યમંત્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 100મા એપિસોડ માટેના વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા બપોરે શિલજ ગામમાં હતા. મુખ્યમંત્રીનો પુત્ર અનુજ અંશ કન્સ્ટ્રક્શન નામની કન્સ્ટ્રક્શન ફર્મ ચલાવે છે. તે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે. આજરોજ જામનગર ખાતે ગુજરાતના સ્થાપન દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સુપુત્ર ની નાદુરસ્ત તબિયત ના કારણો સર આજે થનારી ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શકશે નહિ.