રાજ્યમાં હજુ ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યારે સૌરાષ્ટ્રનાં ડેમોમાં અત્યારથી જ પરિસ્થિતિ વિકટ બની છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 141 ડેમ છે, પરંતુ તેમાં માત્ર 640.84 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણી છે. આ સંગ્રહ 2588.59 MCMની કુલ ક્ષમતા સામે માત્ર 24.76 ટકા છે. જો કે, સૌથી સારી સ્થિતિ દક્ષિણ ગુજરાતના ડેમોની છે, જ્યાં ક્ષમતાની સામે હજુ પણ 52.12 ટકા પાણી બાકી છે. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના કારણે આ સમસ્યા ઓછી થઈ હોય તેવું લાગી રહ્યું છે. સરદાર સરોવર સહિત મુખ્ય 207 ડેમની પાણી સંગ્રહ ક્ષમતા 25265.84 MCM છે. હાલમાં આમાં 11677.43 MCM પાણી ઉપલબ્ધ છે જે 46.22 ટકા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ ડેમોમાંથી 141 ડેમ છે, પરંતુ તેમાં પાણીનો સંગ્રહ ક્ષમતાના ચોથા ભાગ કરતાં પણ ઓછો છે.
આ પણ વાંચો : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપના મહિલા સદસ્યોના પતિદેવોની દખલગીરી
દક્ષિણ ગુજરાતના કુલ 13 ડેમની ક્ષમતા 8624.78 MCM છે, જેની સામે હાલમાં 4495.08 MCM પાણી ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ છે. તેમાં 2331.01 MCM પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે અને તાજેતરમાં જ પાણીનો સંગ્રહ ઘટીને 907.61 MCM થયો હતો જે 38.94 ટકા છે. ઉત્તર ગુજરાતના કુલ 15 ડેમમાં 726.30 MCM પાણીનો સંગ્રહ છે જે ક્ષમતાના 37.65 ટકા છે. તેવી જ રીતે, કચ્છના 20 ડેમોમાં 332.27 MCMની ક્ષમતા સામે 122.44 MCM પાણીનો સંગ્રહ બાકી છે, જે માત્ર 33.84 ટકા છે. હાલમાં રાજ્યના સૌથી મોટા નર્મદા ડેમમાં પાણી સંગ્રહની સ્થિતિ વધુ સારી છે. 138.68 મીટરની ઉંચાઈ ધરાવતા આ ડેમની જળસપાટી હાલમાં 119.14 મીટર છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 9460.00 MCM છે અને હાલમાં 4795.16 MCM ઉપલબ્ધ છે જે 50.69 ટકા છે.રાજ્યના 21 ડેમો એવાા છે જે તેમની ક્ષમતાના એક ટકા પણ પાણી સંગ્રહ કરી રહ્યાં નથી. આમાંથી નવ ડેમમાં બિલકુલ પાણી નથી. ઓછા પાણીનો સંગ્રહ ધરાવતા આમાંથી બે ડેમ કચ્છમાં છે અને 19 સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં આવેલા મચ્છુ-3 ડેમમાં તેની ક્ષમતાના 98.26 ટકા પાણીનો સંગ્રહ છે. આ ડેમ હાઈ એલર્ટ મોડ પર છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ, કચ્છના કાલાઘોડા અને ટપ્પર ડેમ તેમની ક્ષમતાના 80 ટકાથી વધુ સંગ્રહ સાથે એલર્ટ મોડ પર છે. રાજ્યના ચાર ડેમમાં 70 થી 80 ટકા પાણીનો સંગ્રહ હોવાથી ચેતવણી આપવામાં આવી છે.