ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

લ્યો નરેશ પટેલ ફસકી ગયા ! હમણાં નહીં જોડાઈ રાજકારણમાં

Text To Speech
પાટીદાર સમાજના અગ્રિમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે કેમ, થશે તો કયા પક્ષ સાથે જોડાશે એ મામલે છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી અટકળો પર અંત આવી ગયો છે. આજે કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે.
50% મહિલાઓ અને 80% યુવાનોનો મત રાજકારણમાં જોડાવા તરફ
નરેશ પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% મહિલાઓ અને 80% યુવાનો એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ, પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલપૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતના તમામ સમાજના લોકોને અને મા ખોડલધામને મારા પ્રણામ, મૂળ વાત પર જ આવીએ તો રાજકરણમાં પ્રવેશ કરવાનો વિચાર મને કોરોનાકાળમાં આવ્યો હતો. એ સમયે મેં સરદાર સાહેબને ખૂબ વાંચ્યા અને મને વિચાર આવ્યો કે રાજકારણમાં પ્રવેશ મેળવીએ. માટે આ વિચાર મેં સમાજ પાસે મૂક્યો હતો. પણ હાલપૂરતો મે નિર્ણય મોકુફ રાખ્યો છે.
દરેક સમાજના યુવકોને રાજકારણના પાઠ શીખવાડવામાં આવશે
નરેશભાઈ પટેલે પોતે રાજકારણમાં હાલ પુરતા નહીં જોડાઈ તેવી સત્તાવાર જાહેરાત કરી છે જો કે તેઓએ જણાવ્યું હતું કે હવે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે. આ માટે તેઓએ ખોડલધામ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરી છે.
125 દિવસ સુધી દરેક સમાજ અને રાજકીય પક્ષોને ઉઠાં ભણાવ્યા !
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સક્રિય રાજકારણમાં જોડાશે નહિ તેવી જાહેરાત સત્તાવાર રીતે આજે કરી નાંખી છે. જો કે તેઓ રાજકારણમાં આવશે ? આવશે તો ક્યાં પક્ષમાં જશે ? કોને મદદ કરશે ? શું પદ હશે ? તે સહિતના મુદ્દાઓ વિશે છેલ્લા 125 દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો છે. નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવવું કે નહીં એ અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે એવી પ્રથમ વખત જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા 7 પર પહોંચી અને દિવસની સંખ્યા 125 સુધી થઈ ત્યારે આજે આ રાજકીય અટકળોનો અંત આવ્યો છે. આ સમયગાળામાં તેઓએ દરેક વખતે સમાજ સમાજ સમાજનું નામ આગળ ધરી સમાજ અને રાજકીય પક્ષોને ઉઠાં ભણાવ્યા હતા.
નરેશ પટેલના રાજકારણમાં ન જોડાવાના આ હોઈ શકે છે મુખ્ય કારણો
નરેશભાઈ દ્વારા આજે સક્રિય રાજકારણમાં નહીં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે તેમના રાજકારણમાં નહીં જોડાવા અંગેના કારણો વિશે રાજકીય વિશ્લેષકોમાંથી જાણવા મળે છે તે મુજબ 1. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણય અંગે  મોટાભાગના ટ્રસ્ટીઓ સહમત ન હતા. 2. નરેશ પટેલ રાજકારણમાં ન જોડાય તે માટે મહત્વની ભુમિકા આનંદીબેન પટેલે ભજવી. આનંદીબેન પટેલ સાથેની મુલાકાત બાદ રાજકારણમાં ન જોડાવા અંગેનો નિર્ણય મક્કમતાથી લીધો. 3. નરેશ પટેલ કોંગ્રેસ તેને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવે  અને પ્રશાંત કિશોર કેમ્પેઇન કરે  તેવું ઇચ્છતા હતા જે શક્ય ન બન્યું. 4. આમ આદમી પાર્ટી તેની શરતો માનવા તૈયાર હતા પરંતુ ત્રિ પાંખીયા જંગથી ગુજરાતમાં સરકાર શક્ય ન બને. 5. ખોડલધામના કેટલાક મોટા પ્રોજેક્ટ હાલમાં કાર્યરત છે. નરેશ પટેલ ભાજપ વિરુદ્ધ પાર્ટીમાં જવા માંગતા હતા જેથી આ પ્રોજેક્ટને અસર પડી શકે છે.
Back to top button