બનાસકાંઠા : અંબાજી મંદિરમાં લગ્ન કંકોત્રી ચઢાવનાર નવદંપતીને માં અંબાના આશીર્વાદ રૂપે અપાશે શુભેચ્છા કીટ
પાલનપુર : યાત્રાધામ અંબાજી ખાતે વર્ષે સવા કરોડથી વધુ માઇ ભક્તો દર્શનાર્થે પધારે છે. અંબાજી ખાતેની સુખ સુવિધાઓમાં વધારો થતાં યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. માં ના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ કે લગ્ન પ્રસંગ હોય તો માતાજીને પોતાના પ્રસંગમાં આમંત્રણ આપવા કંકોત્રી માતાજીના ભંડારમાં પધરાવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક માં જગદંબાના ચરણોમાં પોતાના ઘરના શુભ પ્રસંગોએ માં જગદંબાને આમંત્રિત કરે છે.
માતાજીને અર્પણ કરાયેલ લગ્નપત્રિકાને ટ્રસ્ટ ધ્વારા અંબાજી મંદિર પાછળ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. રૂબરૂમાં આપેલ કંકોત્રીની અંબાજી મંદિર ખાતે નોધણી કરવામાં આવશે. માં જગદંબાના શુભાશિષ રૂપે અંબાજી ટ્રસ્ટ ધ્વારા માતાજીના આશીર્વાદ યાત્રાળુઓને પ્રાપ્ત થાય તે હેતુથી શુભેચ્છા કીટ આપવામાં આવશે. આ કીટમાં નવદંપતીને આશીર્વાદ રૂપ માતાજીને ચડાવેલ કંકુ, રક્ષા પોટલી, પ્રસાદ, માતાજીનું સ્મૃતિચિન્હનો સમાવેશ કરવામાં આવશે. જગદજનની માં જગદંબા શ્રદ્ધાળુઓના માંગલિક શુભ પ્રસંગે સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય અર્પે તેવી અભ્યર્થના દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા પાઠવવામાં આવશે. આ શુભેચ્છા કીટ માતાજીના આશીર્વાદ રૂપે તા.૧ મે ૨૦૨૩ થી માઈ ભક્તોને ઉપલબ્ધ થશે એમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત