પાલનપુર: બનાસકાંઠામાં મોટા પાયે અબોલ જીવોને કતલખાને લઈ જવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે. જોકે જીવદયા પ્રેમીઓની જાગૃતતાથી અનેક વાર આવા અબોલ જીવો ને બચાવી લેવા આવે છે. ત્યારે જીવદયા પ્રેમીઓએ ડીસા માર્કટયાર્ડ નજીક માહિતી આધારે એક ભેંસો અને પાડા ભરેલું જીપડાલું ઝડપી પાડ્યું હતું.
બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ ડીસાના ઝેરડા નજીક જીવદયા પ્રેમી હિમાલયભાઈ ,મનીષભાઈ ભાટ,અને મગસીભાઈ ઝેરડા ત્રણ રસ્તા નજીક ચા પીતા હતા. તે દરમિયાન હકીકત મળેલ કે, ધાનેરા તરફથી એક જીપડાલું નંબર જી જે ૦૧ બી.એક્સ. ૮૦૮૬ ડીસા તરફ આવી રહ્યું છે. જે આધારે જીવદયા પ્રેમીઓ ડીસા માર્કેટયાર્ડ નજીક આ જીપડાલાને ઝડપી પાડ્યું હતું. અને જીપડાલામાં તપાસ કરતા બે ભેંસો અને એક પાડો ક્રૂરતાપૂર્વક ભરેલા હતા. તેમજ તેમાં ઘાસચારાની પણ વ્યવસ્થા નહોતી કરેલી. જેથી જીવદયા પ્રેમીઓ આ જીપડાલાના ચાલક નું નામ પૂછતાં રામાભાઈ શંકરભાઈ ગવારિયા (રહે.ધાનેરા) ને આ બાબતે પૂછતાં તેની પાસે હેરાફેરીનું કોઈ સક્ષમ અધિકારીનું લાયસન્સ પણ મળેલ નહિ. જ્યારે બે ભેંસ અને એક પાડો કતલખાને લઈ જતો હોવાનું ધ્યાને આવતા આ બાબતે હિમાલયભાઈ માલોસનીયા એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે રામાભાઈ શંકરભાઈ ગવારિયા અને સકરભાઈ ચતરાભાઈ ગવારિયા (બન્ને રહે.ધાનેરા) વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે પશુ ક્રુરતા અધિનિયમન હેઠળ આ બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.