નડિયાદના મિલ રોડ પર આવેલી બેંકમાં ભયંકર આગ, તમામ સામાન બળીને ખાખ
- નડિયાદમાં બેંક ઓફ ઈન્ડિયામાં ભીષણ આગ લાગી
- આગમાં બેંકનું તમામ ફર્નિચર બળીને રાખ થયું
- ફાયરનો કોફલો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી
નડિયાદમાં મિલ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ લાગી હતી કે બેંકનું તમામ ફર્નિચર બળીને રાખ થઈ ગયુ છે. આગની આ ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ત્રણ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
મિલ રોડ પર આવેલ બેંકમા આગ
પ્રાપ્ત જાણકારી મુજબ નડિયાદના મિલ રોડ પર આવેલા કોપ્લેક્ષમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં આજે સવારના નવ વાગ્યાની આસપાસ એકા એક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં બેંકમાં ફર્નિચરને ભારે નુકસાન થવા પામ્યું છે.
બેંકની ઉપર આવેલ દર્દીઓને બહાર કાઢવામા આવ્યા
આ બેંકની ઉપર ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે. બેંકમાં આગ લાગતા હોસ્પિટલના તબીબ દ્વારા તાત્કાલિક ઓપીડીની અંદર આવેલ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર લાવી દેવાયા હતા.ત્યાર બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામા આવી હતી.
નડિયાદ ટાઉન પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે
આ બેંક રોડ પર હોવાથી રસ્તા પર ટ્રાફિક જામ ન થાય અને ફાયર વિભાગ પોતાનું કામ સરળતાથી કરી શકે તે માટે નડિયાદ ટાઉન પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી જઈ મદદ કરી હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી પરંતું પ્રાથમિક માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે.
આ પણ વાંચો : નડિયાદના વીણા ગામના કુવામાં યુવતીની લાશ મળ્યાનો મામલો, 9 વર્ષ બાદ પોલીસે નોંધી ફરિયાદ