ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો પોકાર : 100 જેટલા પરિવારો ત્રણ હેડપંપના ભરોસે

Text To Speech
  • તળેટી, ભદ્રમાળ, ધાબા વાળીવાવ, ધરેડા, કુવારસી, બાનુદરા સહિતના ગામોમાં પાણી માટે વલખા

પાલનપુર : બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગના તમામ દાવા પોકળ સાબિત થયા છે. નલ સે જલ યોજના માત્ર કાગળ પર છે, તો વાસ્મો અંતર્ગત બનાવેલ પાણીના ટાંકા ખાલી છે અને હેડ પંપમાં પણ પાણી ઓછું થઈ જવાને કારણે અનેક હેડપંપ કોરા ધાકોર છે. ત્યારે ત્રણ હેડપંપ થકી 100 જેટલા પરિવારો પાણી ભરી ઉપાડી અને પાણી પીવા મજબૂર છે.

દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીના પોકારો સામે આવી રહ્યા છે. ત્રણ હેડપંપ પર આદિવાસી મહિલાઓની પાણી ભરવા કતારો હોય છે. દિવસભરની મજૂરી બાદ પીવાના પાણી માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે.

દાંતા તાલુકામાં અનેક ગામોમા નળ સે જળ યોજના માત્ર કાગળ પર છે. તળેટી, ભદ્રમાળ, ધાબાવાળી વાવ, ધરેડા, કુવારસી, બાનુદરા સહિતના અનેક ગામોના લોકો પીવાના પાણી માટે વલખા મારે છે.

નળ સે જળ યોજનાના નળ તો પહોંચ્યા છે. પરંતુ ટાંકા ખાલી છે. નળમાં પાણી નથી હેડ પંપો સુકાઈ ગયા છે. અન્ય કોઈ પાણીની વ્યવસ્થા નથી.

જેથી અંતરિયાળ વિસ્તારના લોકોની માગણી છે કે યોજનાનું પાણી ઘર સુધી પહોંચે. પીવાનું પાણી પૂરું પડવા માટે પાણી પુરવઠા વિભાગની ગ્રાન્ટો વપરાય છે. તાલુકા પંચાયતની ગ્રાન્ટો વપરાય છે અને ટ્રાઇબલની પણ ગ્રાન્ટો વપરાય છે, પરંતુ આ ગ્રાન્ટો ક્યાં જાય છે એ એક મોટો સવાલ છે. આ વિસ્તારોમાં પાણીના સુવિધા ન હોવાને કારણે હેડ પંપ પરથી પાણી ભરવું પડે છે અને લાઈનમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર છે.

ત્યારે અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પાણીની લાઈન માટેના દર્દનાશક દ્રશ્યો જોવા મળતા હોય છે અને પીવાના પાણી માટે લોકો વલખા મારતા જોવા મળી રહ્યા છે.

જો કે છેલ્લા કેટલાય વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ હવે જો આગામી દિવસોમાં પાણી નહીં પહોંચે તો રસ્તા પર ઉતરી જળ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાનું તંત્ર આ વિસ્તારોમાં પાણી પહોંચાડે છે કે પછી વિસ્તારના લોકો પાણીની માગ સાથે રસ્તા પર ઉતરવા મજબુર બને છે.

આ પણ વાંચો :નડિયાદના વીણા ગામના કુવામાં યુવતીની લાશ મળ્યાનો મામલો, 9 વર્ષ બાદ પોલીસે નોંધી ફરિયાદ

Back to top button