- કોંગ્રેસ નેતાને માનહાનીના કેસમાં થઈ છે 2 વર્ષની સજા
- અગાઉ સેસન્સ કોર્ટે સજા ઉપર સ્ટે આપવાનો કર્યો હતો ઈન્કાર
- સજાને લીધે ગાંધીનું સાંસદ પદ પણ થયું છે રદ્દ
સુરત સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આજે સુનાવણી કરશે. વાસ્તવમાં, સુરતની કોર્ટે મોદી અટક સંબંધિત ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી રાહુલે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ન્યાયાધીશે આ મામલામાં પોતાને અલગ કર્યા બાદ હવે આ કેસની સુનાવણી નવા જજ દ્વારા કરવામાં આવશે.
અગાઉ જજે અરજી નોટ બીફોર મી કરી હતી
આ પહેલા ગુજરાત હાઈકોર્ટના જજે સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા. રાહુલ ગાંધીના વકીલ એડવોકેટ પીએસ ચાંપાનેરીએ જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. અરજી પર સંક્ષિપ્ત સુનાવણી પછી, તેમણે કહ્યું કે મારા પહેલાં નહીં.
શું કહ્યું હતું વકીલે ?
ઉલ્લેખનીય છે કે, સેશન્સ કોર્ટના આદેશ વિરુદ્ધ રાહુલ ગાંધીએ મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જજે સુનાવણીમાંથી અલગ થયા બાદ રાહુલ ગાંધીના વકીલે આ માહિતી આપી હતી. કોંગ્રેસના નેતાના વકીલ ચંપાનેરીએ જણાવ્યું હતું કે કોર્ટે અગાઉ તેમને બુધવારે આ મામલાની સુનાવણી કરવાની મંજૂરી આપી હતી, પરંતુ જ્યારે તે સુનાવણી માટે આવ્યો ત્યારે તેઓએ આ મામલાની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા હતા.
રાહુલને કયા કેસમાં સજા થઈ?
23 માર્ચે સુરતની કોર્ટે 2019માં રાહુલ ગાંધી દ્વારા મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટે નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા. રાહુલે સુરત કોર્ટમાં ત્રણ અરજીઓ પણ દાખલ કરી હતી, જેમાંથી એક અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને બીજીની સુનાવણી 3 મેના રોજ થવાની છે.
રાહુલે શું કહ્યું હતું ?
હકીકતમાં, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?’ જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
રાહત નહીં મળે તો રાહુલનું આગળ શું?
સુપ્રિમ કોર્ટના આ નિર્ણય બાદ કોઈપણ કોર્ટમાં નેતાને દોષિત ઠેરવતાની સાથે જ વિધાનસભા-સંસદનો દરજ્જો જતો રહે છે. આ સાથે તે વ્યક્તિ આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય બની જાય છે. રાહુલનું સાંસદ પદ ગયુ છે. જો તેમને કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ 2024 અને 2029ની લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં.