સુદાનથી પરત ફરેલ ગુજરાતીઓએ શું કહ્યું? વાંચો તેમના અનુભવો
- 56 ગુજરાતીઓ સરકારના ઓપરેશન કાવેરી અંતર્ગત વતન પરત
- વતન પરત ફરેલ ગુજરાતીઓએ ભારત સરકારનો માન્યો આભાર
- સુદાનથી રાજકોટ આવેલ લોકોએ કહ્યુ, મૃત્યુ સામે જીત્યો જંગ જીત્યો
- વાંચો, સુદાનથી પરત ગુજરાતીઓના દિલધડક અનુભવો
સુદાનમાં ખુલ્લેઆમ ફાયરિંગ થતું હતું. એવું લાગતું હતું કે હવે નહીં જીવી શકીએ. આ શબ્દો છે સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓના. સુદાનમાં હિંસા ફાટી નીકળતા ફસાયેલા 56 ગુજરાતીઓને કેન્દ્ર સરકારના ઓપરેશન કાવેરી અંતર્ગત વતન પરત લાવવામાં આવ્યા છે. સુદાનના જેદ્દાહથી બચાવદળના વિમાન મારફતે મુંબઈ અને ત્યાંથી 2 વોલ્વો બસ મારફતે 56 ગુજરાતીઓ અમદાવાદ સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. વતન પરત ફરેલા 56 લોકોમાં 39 રાજકોટના વતની હતા. વાંચો શું કહ્યું તેમણે….
વતન પરત ફરેલા 56 લોકોમાં 39 રાજકોટના, ગાંધીનગરના 9, વડોદરાના 5 અને આણંદના 3 લોકોનો સમાવેશ થાય છે. તેઓ સુદાનમાં ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં જીવન ગુજારવા મજબૂર બન્યા હતા. ઓપરેશન કાવેરી અંતર્ગત વતન પરત ફરતાં તેઓ ભાવુક થયા હતા. તેમણે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરીને આપવીતી વર્ણવી હતી.
મૃત્યુ સામે જીત્યો જંગ જીત્યો
સુદાનથી રાજકોટ પરત ફરેલા ગુજરાતીઓ આ તકે હેમખેમ વતન પરત ફરતા તેમના સ્નેહીજનો વચ્ચે મિલાપ સાથે ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતાં. વિપુલચંદ્ર મહેતા તેમના પરિવારના પાંચ વ્યક્તિઓ સાથે રાજકોટ સુખરૂપ પહોંચતા તેમણે મિડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય દ્વારા અમોને એરલિફ્ટ કરવા માટે ખુબ સુંદર વ્યવસ્થા કરી આપી હતી, પોર્ટ પર ફૂડ પેકેટ્સ, પાસપોર્ટ સહીત રહેવા જમવા અને રાજકોટ સુધી બસ દ્વારા પહોંચાડવામાં અમારા પરિવાર સહીત તમામને ખુબ મદદ કરી હતી. આજે અમે પાંચ દિવસે ઘરે પહોંચ્યા છીએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મૃત્યુ સામે જંગ જીતી વતન સુખરૂપ પહોંચતા આટલી ખુશી અમને જીવનમાં ક્યારેય મળી નથી.
હેમલ ઝાહ છેલ્લા 5 વર્ષથી સુદાનમાં રહેતા હતા
સુદાનથી પોતાના વતન રાજકોટ પરત ફરેલા હેમલ ઝાહે ભારત સરકારના ઓપરેશન કાવેરીને બિરદાવ્યુ હતું. હેમલ ઝાહ છેલ્લા 5 વર્ષથી સુદાનમાં રહેતા હતા. તેમણે જણાવ્યુ યુદ્ધની પરિસ્થિમાં અમે ખુબ ડરીને સુદાનમાં રહેતા હતા. ત્યાં માહોલ ખુબ જ ખરાબ છે. તેમણે ભારત સરકાર અને પ્રધાનમંત્રી મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. તેમણે સુદાન ગૃહયુદ્ધના પોતાના ભયાવહ અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું ભારતીય પાસપોર્ટ ધરાવતા દરેક સુદાનીને સરકારે મદદ કરે છે, પરંતુ ભારતીય પાસપોર્ટ ન ધરાવતા ભારત મુળના સુદાનીઓને મદદ કરવાની ભારત સરકારને વિનંતી કરી હતી.
દિવ્યેશભાઈએ ભારત સરકારનો માન્યો આભાર
સુદાનથી પરત ફરેલા મોટાભાગના ગુજરાતીઓ દાયકાઓથી ત્યાં રહે છે. તેમનું કહેવું છે કે ત્યાં પહેલા ખૂબ સારું વાતાવરણ હતું. પરંતુ અચાનક જ એવી પરિસ્થિતિ ઉભી થઈ કે તેમને લાગતું નહોતું કે તેઓ સુદાનમાંથી બહાર નીકળી શકશે અને જીવન જીવી શકશે. તેમણે લશ્કરી દળ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થા બદલ ગદગદ થઈને આભાર વ્યક્ત કર્યો. સુદાનથી પોતાના વતન રાજકોટ પરત ફરેલા દિવ્યેશભાઈએ જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે લગભગ 50 વર્ષથી ત્યાં રહેતા હતા. તે પોતાનો ધંધો રોજગાર છોડીને ભારત પરત ફર્યા હતા. તેમણે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.