ઉત્તર ગુજરાતગુજરાત

અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા તત્વો સામે તવાઈ : ડીસામાં 200 સ્થળે અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને દંડ ફટકાર્યો

Text To Speech
  • આરોગ્ય, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત તપાસ

પાલનપુર : બનાસકાંઠાના ડીસામાં આજે ફરી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તંત્રની અલગ- અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા. અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા દુકાનદારો અને વેપારીઓને દંડ અને નોટીસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉનાળાના સમયમાં ઠંડા પીણાનું ચલણ ખૂબ જ વધી જાય છે. તેમજ અખાદ્ય ઠંડા પીણા સહિતની ચીજ વસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારીમાં સપડાય છે. ત્યારે આજે ડીસા નગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે અલગ અલગ 11 ટીમો બનાવી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા સ્થળો પર તપાસ શરૂ કરી હતી. આ ટીમોએ શહેરમાં ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી. જેમાં કેટલીક જગ્યાએ મીઠાઈમાં જીવજંતુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ, તેમજ એક્સપાયરી ડેટ વાળી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ રૂ. 500થી 5000 સુધીનો દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી.


આ અંગે ડીસા બ્લોક હેલ્થ ઓફિસર પી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે ડીસાના શહેરી વિસ્તારમાં સેનિટેશન રાઉન્ડનું આયોજન કરાયું હતું. લોકોની સુખાકારી અને આરોગ્ય જળવાઈ રહે તે માટે શહેરમાં લારી, ગલ્લા, ફરસાણ, ફ્રૂટ-જ્યુસની લારી અને બરફની ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરી હતી. તેમજ સડેલી, ગળેલી, એક્સપાયર ડેટવાળી કે પછી ક્લોરીનેશન વગરનું પાણી મળી આવ્યું તેવા વેપારીઓને દંડ ફટકારી કાર્યવાહી કરી હતી. ડીસામાં આજે વહેલી સવારથી તંત્રની ટીમોએ અંદાજિત 200 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આવા વેપારીઓ ફરીવાર આવી ચીજ વસ્તુઓ ન વેચે તે માટેની કાર્યવાહી હાથ કરી હતી. ત્યારે તંત્રની કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

આ પણ વાંચો : વિદેશી દારૂનો વેપલો : રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને જૂનાગઢ જતી ટ્રકને અમીરગઢ પોલીસે ઝડપી પાડી

Back to top button