ઓછી ગરમીમાં પણ થાય છે પરસેવો? તો ચેતો, ક્યાંક બિમારીના લક્ષણો ન હોય
- ગરમી વધારે ન હોય અને તો પણ પરસેવો નીકળી રહ્યો હોય તો ચેતો.
- જરૂર કરતા વધુ પરસેવો નીકળવા લાગે ત્યારે તમારી હેલ્થનું ધ્યાન રાખો.
- હાથ-પગ ઉપરાંત આખા શરીરમાંથી પરસેવો નીકળે તેવું કોઇ ખાસ બિમારીના કારણે થાય છે.
ગરમીની સીઝનમાં પરસેવો નીકળવો સ્વાભાવિક છે, પરંતુ ગરમી વધારે ન હોય અને તો પણ પરસેવો નીકળી રહ્યો હોય તો ચેતો. આ કોઇ બિમારીના લક્ષણો હોઇ શકે છે. પરસેવો આરોગ્ય માટે સારો તો છે, કેમકે તે શરીરના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે, પરંતુ જ્યારે જરૂર કરતા વધુ પરસેવો નીકળવા લાગે ત્યારે તમારી હેલ્થનું ધ્યાન રાખવુ જરૂરી છે.
શું હોઇ શકે છે કારણો?
શરીરમાં વધુ પડતો પરસેવો થવાને હાઇપરહાઇડ્રોસિસ કહે છે. તે બે પ્રકારના હોય છે. સેકેન્ડરી હાઇપરહાઇડ્રોસિસ એક પ્રકારની મેડિકલ કન્ડિશન છે, જેમાં હાથ-પગ ઉપરાંત આખા શરીરમાંથી પરસેવો નીકળે છે. આવુ કોઇ ખાસ બિમારીના કારણે થાય છે. જેને સમય પર કન્ટ્રોલ ન કરવુ ક્યારેક ઘાતક સાબિત થઇ શકે છે. આ બિમારીમાં ક્યારેક સુતી વખતે પણ પરસેવો નીકળે છે અને આ સમસ્યા મોટાભાગે એડલ્ટ લોકોને થાય છે.
દેખાય છે આ લક્ષણો
- સતત અને ઘણી માત્રામાં શરીરમાંથી પરસેવો નીકળવો.
- હાર્ટબીટ તેજ થવી
- હાથ કાંપવા
- નર્વસનેસ અને તણાવની અનુભુતિ
- વજન અચાનક ઘટવુ
- બેહોશી આવવી
આ કારણો હોઇ શકે છે જવાબદાર
મહિલાઓમાં મેનોપોઝ
મહિલાઓને મોટાભાગે મેનોપોઝના કારણે વધુ પડતો પરસેવો થાય છે. મેનોપોઝના કારણે લગભગ 85 ટકા મહિલાઓમાં હોટ ફ્લેશીઝ અને પરસેવો નીકળવાની સમસ્યા થાય છે. તેનું કારણ છે એસ્ટ્રોજન હોર્મોન્સ. આ કારણે શરીરમાં વધુ પરસેવો નીકળવાનું શરૂ થઇ જાય છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓને વધુ માત્રામાં પરસેવો નીકળવો બ્લડ શુગર લો થવાનો સંકેત છે. જો કોઇ ડાયાબિટીસના દર્દીને વધુ પરસેવો થાય તો તેણે તાત્કાલિક બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં લાવવાની જરૂર પડે છે.
હાઇપરથાઇરોઇડ
હાઇપરથાઇરોઇડ થતા થાઇરાઇડ ગ્લેન્ડ વધુ એક્ટિવ થઇ જાય છે. તેના કારણે વધુ પરસેવો નીકળવા લાગે છે. જો તમને અચાનક વધુ પરસેવો નીકળવા લાગે અને તેની સાથે હાર્ટબીટ વધી જાય તો તણાવ અને નર્વસનેસ અનુભવાય છે. આમ થાય તો થાઇરોઇડ ટેસ્ટ જરૂર કરાવો.
આ કરો ઉપાય
જરૂરિયાત કરતા વધુ પરસેવો થાય ત્યારે શરીરમાં ક્યારેય પાણીની કમી ન થવા દો. ઘણુ બધુ પાણી પીવો. લિક્વિટ ઇનટેક વધારો. લીંબુ અને મીઠાના પાણીથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ કરતા રહો. આ સાથે બિમારીઓની જાણકારી પણ મેળવો. જેથી યોગ્ય સમયે બિમારી કન્ટ્રોલ કરી શકાય.
આ પણ વાંચોઃ આ કારણે છોકરીઓ બની શકતી નથી ‘આદર્શ વહુ’