થરાદ નર્મદા કેનાલમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, હાઈડ્રોફોલિક મટીરીયલથી કોન્ક્રીટ લાઇનિંગના છિદ્રોને ભરી કેનાલના લીકેજ કરાશે બંધ
- નર્મદાના મુખ્ય કેનાલની શરૂ થશે સફાઈ અને રીપેરીંગની કામગીરી
- આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી લિકેજની સમસ્યાનું થશે કાયમી નિરાકરણ : શંકરભાઈ ચૌધરી
પાલનપુર : થરાદ અને તેના આસપાસના વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી લીકેજની સમસ્યા છે. જે સમસ્યાના નિવારણ માટે આગામી 1 મે થી કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કેનાલનું પાણી લીકેજ ન થાય તેમજ તેની યોગ્ય સાફ-સફાઈ થાય તે માટેની કામગીરી એક માસ સુધી ચાલશે.
નર્મદા કેનાલ સફાઈ અને રીપેરીંગ કામગીરી દરમિયાન પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વહીવટી તંત્રને સૂચન કર્યું છે.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નર્મદાની મુખ્ય કેનાલમાંથી લીકેજ થતા પાણીની સમસ્યાથી છુટકારો મળે અને મહામૂલી નર્મદાના પાણીનો વેડફાટ ન થાય તે માટે કેનાલ રીપેરીંગ તેમજ સફાઈની કામગીરીની શરૂ કરવામાં આવશે. કેનાલ રીપેરીંગ અને સફાઈ દરમિયાન નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. એક્રિલિક આધારિત કેમિકલનું 1000 માઇક્રોન લેપર પ્રેશરથી અપ્લાય કરી લાઇનિંગ ઉપર લેપર બનશે જે વોટરપ્રૂફ હશે અને જેના કારણે કેનાલમાંથી થતા લીકેજ ને અટકાવી શકાશે. જ્યારે નેનો ટેકનોલોજી આધારિત હાઈડ્રોફોલિક મટીરીયલ કે જેમાંથી કોન્ક્રીટ લાઇનિંગના છિદ્રોને ભરી કેનાલમાંથી લીકેજ થતા પાણીને અટકાવવામાં આવશે.
View this post on Instagram
આપઘાતની ઘટનાઓ રોકવા એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નર્મદા મુખ્ય કેનાલમાં થતાં આપઘાતના પ્રયાસો મામલે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું હતું કે આગામી સમયમાં થરાદના મુખ્ય હાઈવે પરથી પસાર થતી કેનાલના એક કિલોમીટર સુધી બંને બાજુએ તાર દ્વારા ફેન્સીંગ કરવામાં આવશે. જ્યારે એનડીઆરએફની એક ટીમ થરાદ મુખ્ય કેનાલ પર સ્ટેન્ડ ટુ રહેશે. જેથી કોઈપણ વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કરે તો તેને તાત્કાલિક બચાવી શકાય.