બનાસકાંઠા: ડીસામાં ઇકો ગાડીમાં બેઠેલા મુસાફરોને લૂંટનારા સુરતના બે શખ્સો જબ્બે, રૂ. 25 હજાર અને ગાડી જપ્ત
પાલનપુર: ડીસાથી ઇકો ગાડીમાં બેસીને પાલનપુર જઇ રહેલા મુસાફરના ખિસ્સામાંથી 25 હજાર રૂપિયા સેરવી લેનાર ગાડીના ચાલક અને તેના મિત્રને પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે, અને બંને શખ્સો પાસેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે 25 હજાર અને ગાડી જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
50 CCTV કેમેરા ચેક કરી પોલીસ આરોપી સુધી પહોંચી
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના સાવીયાણા ગામે રહેતા અને સિંચાઈ વિભાગમાં નોકરી કરતા કાનસિંહ જાદવ તેમના મોટાભાઈને હાર્ટએટેક આવ્યો હોવાથી હોસ્પિટલમાં પૈસાની જરૂર હોઇ તેઓ 25,000 રૂપિયા લઈને પાલનપુર જવા માટે નીકળ્યા હતા. જેઓ દીપક હોટલ પાસેથી એક રાખોડી કલરની ઇકો ગાડીમાં બેઠા હતા. દરમિયાન રસ્તામાં ઇકો ગાડીમાં બેઠેલ બે શખ્સો તેમને ધક્કામુકકી કરવા લાગ્યા હતા. જેથી તેઓ પાલનપુરમાં ઓવરબ્રિજના છેડે ઉતરી જઇ તપાસ કરતા તેમના ખિસ્સામાં રાખેલા 25,000 રૂપિયા જણાયા ન હતા. બાદમાં કાનસિંહને ઇક્કો ગાડીમાં બેઠેલા બે શખ્સો ઉપર શંકા જતા તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી.
ડીસા શહેર દક્ષિણ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલે ટીમ તૈયાર કરી અંદાજિત 50 જેટલા CCTV કેમરા ચેક કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઇકો ગાડીનો નંબર મેળવ્યો હતો. તેમજ પોકેટકોપની મદદથી ગાડીના માલિક સુધી પહોંચ્યા હતા અને સુરતની ગાડી ચાલક સચિન જીઆઇડીસી પાસે સંજર સોસાયટીમાં રહેતા નવાજખાન મહંમદખાન પઠાણ તથા શોએબ અબ્દુલ મજીદ આકબાનીને પકડી તેમની પાસેથી રૂપિયા 25,000 અને ઇકો ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે બનાવેલું સ્ટેજ ધરાશાયી, પાંચ લોકો ઇજાગ્રસ્ત