
- માસિક અને ત્રિમાસિક યોજનાઓમાં કરવામાં આવ્યો
- 16 મહિના પછી પ્રાઇમ મેમ્બરશિપની કિંમતોમાં વધારો કર્યો
- નવી કિંમત નવા ગ્રાહકોને પડશે લાગુ
- જુના ગ્રાહકોને હાલ પૂરતી અપાઈ રાહત
એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ માટે હવે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. કંપનીએ તેની પ્રાઇમ મેમ્બરશિપની કિંમતોમાં વધારો કર્યો છે. કિંમતોમાં આ વધારો માસિક અને ત્રિમાસિક યોજનાઓમાં કરવામાં આવ્યો છે. એમેઝોને લગભગ 16 મહિના પછી પ્રાઇમ મેમ્બરશિપની કિંમતોમાં વધારો કર્યો છે. અગાઉ ડિસેમ્બર 2021માં કંપનીએ તેના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. જોકે, કંપનીએ હાલના પ્રાઇમ મેમ્બર્સને ચોક્કસ રાહત આપી છે. હાલના પ્રાઇમ મેમ્બર માત્ર જૂના ભાવે જ તેમની મેમ્બરશિપ રિન્યૂ કરી શકે છે. આ માટે કંપનીએ ચોક્કસ શરત રાખી છે.
એમેઝોન પ્રાઇમ પ્લાન્સ
એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપની કિંમત હવે રૂ.299 થી શરૂ થાય છે. અગાઉ તેનો માસિક પ્લાન રૂ.179માં આવતો હતો. ડિસેમ્બર 2021માં કંપનીએ માસિક પ્લાનની કિંમત 120 રૂપિયાથી વધારીને 179 રૂપિયા કરી દીધી હતી. બીજી તરફ જો ત્રિમાસિક પ્લાનની વાત કરીએ તો આ માટે તમારે 599 રૂપિયા ખર્ચવા પડશે. પહેલા આ પ્લાન 459 રૂપિયામાં ઉપલબ્ધ હતો. હવે યુઝર્સને ત્રણ મહિનાના પ્લાન માટે 140 રૂપિયા વધુ ખર્ચવા પડશે. જોકે, કંપનીએ એક વર્ષના પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેની કિંમત રૂ.1499 છે. એક વર્ષનો Amazon Prime Lite પ્લાન 999 રૂપિયામાં આવે છે.
જુના ગ્રાહકોને 15 જાન્યુઆરી 2024 સુધી મળશે રિન્યુઅલનો લાભ
નવી યોજનાઓ કંપનીની વેબસાઇટ પર સૂચિબદ્ધ છે. જો તમારી પાસે હાલની પ્રાઇમ મેમ્બરશિપ છે, તો તમે તેને જૂની કિંમતે ઓટો-રિન્યૂ કરી શકો છો. તેનો લાભ તમને 15 જાન્યુઆરી 2024 સુધી મળશે. જો ઑટો-રિન્યૂ નિષ્ફળ જાય અથવા વપરાશકર્તા મેમ્બરશિપ રિન્યૂને હટાવી દે, તો તેણે નવી કિંમતે પ્લાન ખરીદવો પડશે.
પ્રાઇમ મેમ્બરશિપના ફાયદા શું છે?
એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપના ઘણા ફાયદા છે. તે માત્ર શોપિંગ અથવા વિડિયો સ્ટ્રીમિંગ OTT પૂરતું મર્યાદિત નથી. જો તમારી પાસે પ્રાઇમ મેમ્બરશિપ છે, તો તમને પ્રાઇમ વીડિયોની ઍક્સેસ મળશે. આ સિવાય પ્રાઇમ મ્યુઝિક, પ્રાઇમ ડીલ્સ અને પ્રાઇમ ઑફર્સની ઍક્સેસ પણ મળશે. એમેઝોન સેલમાં, તમે એક દિવસ અગાઉ ઑફર્સને ઍક્સેસ કરી શકશો. આ સાથે તમને પ્રાઇમ ગેમિંગ, પ્રાઇમ રીડિંગ અને એમેઝોન ફેમિલીનો પણ લાભ મળશે. પ્રાઇમ મેમ્બરશિપના ભાવમાં વધારો તમારી હાલની મેમ્બરશિપને અસર કરશે નહીં.